અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઇ વિરૂદ્વ ૧૦ લાખની લાંચનો ગુનો નોંધાયો
પોલીસ ઇન્સ્પેક્ટર વતી લાંચ લેતા કોન્સ્ટેબલ અને એએસઆઇ ઝડપાયા
સટ્ટા બેટિંગ કેસમાં આરોપી વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ કરવાના બદલામાં પીઆઇ બી એમ પટેલે લાંચ માંગી હતીઃ ફરાર પીઆઇને પકડવા ટીમ બનાવાઇ
અમદાવાદ,સોમવાર
અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ વતી રૂપિયા ૧૦ લાખની લાંચ લેતા તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબી ટ્રેપની જાણ થતા પીઆઇ ફરાર થઇ જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરે સટ્ટા બેટિંગના કેસમાં આરોપીઓ વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ કરવાના બદલામાં લાંચ માંગી હતી. જે લેવા જવા માટે તેમના સ્ટાફના બે કર્મચારીઓને મોકલ્યા હતા. આ અંગે એસીબીએ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સહિત કેટલાંક લોકો સામે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આઇપીએલ દરમિયાન ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલને સોપવામાં આવી હતી. આ કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરીને ચાર્જશીટ કરવા માટે આરોપીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભમાં પીઆઇ બી એમ પટેલે રૂપિયા ૧૦ લાખથી વધારેની રકમની માંગણી કરી હતી. રકઝકના અંતે ૧૦ લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જે નાણાં આપવા માટે સોમવારે સાંજે સિંધુભવન રોડ પર મળવાનું નક્કી થયું હતું. આ અંગે સટ્ટા કેસના આરોપીએ એસીબીમાં જાણ કરી હતી. જેના આધારે એસીબીના ઉચ્ચ અધિકારીઓની ટીમને તૈનાત કરવામાં આવી હતી. પીઆઇ બી એમ પટેલ વતી હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ પટેલ અને એએસઆઇ ગૌરાંગ ગામેતી ૧૦ લાખની રકમ લેવા માટે આવ્યા હતા. તે સમયે તેમને લાંચ લેતા રંગેહાથે ઝડપી લેેવાયા હતા. એસીબી ટ્રેપની માહિતી મળતા પીઆઇ બી એમ પટેલ તેમની ઓફિસથી ફરાર થઇ ગયા હતા. આ અંગે એસીબીએ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.