સ્ટેટ જીએસટીના નામે તોડ કરીને બે લાખ લાંચ લેતા વહીવટદાર ઝડપાયો
મોબાઇલ શોપમાં જીએસટીના દરોડામાં સમાધાનનું કહીને ૫૦ લાખ માંગ્યા હતા
ઇન્દિરા સર્કલ પાસે એસીબીએ ટ્રેપ ગોઠવીઃ સ્ટેટ જીએસટી વિભાગની સંડોવણી અંગે પણ તપાસ કરાશેઃ અન્ય એક વહીવટદારની શોધખોળ શરૂ
અમદાવાદ,શનિવાર
શહેરના રીલીફ રોડ પર મોબાઇલ અને મોબાઇલ એસેસરીઝનો વ્યવસાય કરતા વેપારીને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કેસની કાર્યવાહીમાં વેપારીને મુશ્કેલી ન પડે અને સેટલમેન્ટ થાય તે માટે જીએસટી વિભાગ વતી કિરણસિંહ ચંપાવત નામના વ્યક્તિએ રૂપિયા ૫૦ લાખની માંગણી કરી હતી. જેમાં ૨૧ લાખ રૂપિયામાં ડીલ નક્કી થતા લાંચ પેટે બે લાખનો હપતો લેતા એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલો વ્યક્તિ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની કામગીરી બાદ વહીવટદાર તરીકે કામ કરતો હતો. આ અંગે એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કેસની વિગતો એવી છે કે સરદારનગર વિસ્તારમાં રહેતા અને રિલિફ રોડ પર મોબાઇલ તેમજ મોબાઇલ એસેસરીઝની શોપ ધરાવતા વ્યક્તિને ત્યાં પાંચ મહિના પહેલા સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડો પાડયો હતો. જેથી મોબાઇલ શોપના માલિકના ભાઇ સાથે કિરણસિંહ ચંપાવતે સંપર્ક કર્યો હતો. તેણે જીએસટી વિભાગની કામગીરીમાં મુશ્કેલી ન પડે અને કેસમાં સમાધાન થાય તે માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરી હતી. જો કે ૨૧ લાખ રૂપિયામાં સમગ્ર ડીલ નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્રથમવાર બે લાખનો હપતો આપવાનું નક્કી કરાયું હતું. જો કે આ અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા એસીબીએ ઇન્દિરા બ્રીજ પાસેના એક પાન શોપ પર ટ્રેપ ગોઠવી હતી. જેમાં કિરણસિંહ ચંપાવતે મોબાઇલ શોપના માલિક સાથે ટેલિફોન પર વાત કરીને બે લાખ રૂપિયા નિતેષ ટેકવાણી (રહે. નાના ચિલોડા, નરોડા)ને આપવાનું કહેતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે કિરણસિંહ ચંપાવત ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કિરણસિંહ ચંપાવત એક સાપ્તાહિકનો તંત્રી છે અને તે જીએસટી વિભાગના અધિકારી વતી વેપારીઓ વહીવટ કરતો હોવાનો આક્ષેપ વેપારીઓ દ્વારા કરાયો છે.