દારૂનો ખોટો કેસની ધમકી આપીે કોન્સ્ટેબલે વહીવટદાર દ્વારા લાંચ માંગી
વિરમગામમાં એસીબીની સફળ ટ્રેપ
અગાઉ ધમકાવીને ૫૦ હજાર પડાવી લીધા બાદ બીજા ૩૦ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી
અમદાવાદ,
રવિવાર
અમદાવાદ જિલ્લાના વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ અને તેના વહીવટદાર વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૩૦ હજારની લાંચનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અગાઉ દારૂના ખોટા કેસમાં પકડાયો હતો. ત્યારબાદ ધમકાવીને ખોટા કેસમાં ફસાવીને ધમકી આપીને લાંચ માંગવામાં આવતી હતી. આ અંગે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં રહેતા વ્યક્તિ વિરૂદ્ધ વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આશરે પાંચ મહિના પહેલા દારૂનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં તેની ધરપકડ થઇ હતી. ત્યારબાદ વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલ (રહે. શ્રીધર ઉપવન, વસ્ત્રાલ) ફરિયાદીને બીજા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ૫૦ હજારની માંગણી કરતો હતો. જેથી ડરીને ફરિયાદીએ નાણાં ચુકવી દીધા હતા. તે પછી ફરીથી બીજા ૩૦ હજારની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરી હતી. જેના આધારે વિરમગામમાં આવેલા જોગણી માતાજીના મંદિર પાસે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ વતી ભરત ઠાકોર (રહે.હાસંલપુર, વિરમગામ) જ્યારે લાંચ લેતો હતો ત્યારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.