અભય ભારદ્વાજનું કોરોના સારવાર દરમિયાન અવસાન
- ધારાશાસ્ત્રી, જનસંઘ-ભાજપના નેતા, રાજ્યસભાના સભ્ય
- લાખો ચાહકોમાં ઘેરો શોક, ચેન્નાઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમના નશ્વર દેહની રાજકોટ અંતિમક્રિયા થશે
રાજકોટ, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર
ગુજરાતના રાજ્યસભાના ભાજપના સભ્ય, રાજકોટના અગ્રીમ ધારાશાસ્ત્રી અને 40 વર્ષથી સંઘના સ્વયંસેવક,જનસંઘ અને ભાજપના વરિષ્ઠ નેતા અભયભાઈ ગણપતભાઈ ભારદ્વાજને ત્રણ માસ પહેલા કોરોના પોઝીટીવનો રિપોર્ટ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અને બાદમાં ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ભાજપમાં ,ચાહકોમાં અને વકીલોમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશના વિકાસ માટે તીવ્ર લાગણી ધરાવનારા, સમાજ સેવામાં સદા અગ્રેસર ,તેજસ્વી અને તીક્ષ્ણ બુધિૃધમત્તા ધરાવતા, પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તો રાજકોટ સહિત રાજ્યમાં ભાજપના તેમજ વિવિધ વર્ગના લોકોએ ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
તીક્ષ્ણબુધિૃધ ધરાવતા અભયભાઈ તેમના મિલનસાર અને સરળ સ્વભાવના કારણે રાજકોટ,સૌરાષ્ટ્રમાં વર્ષોથી લોકપ્રિય રહ્યા હતા. તેમણે ભારતના 21માં લો કમિશનમાં સભ્ય તરીકે ટ્રીપલ તલ્લાક, યુનિફોર્મ સિવિલ કોડની રચનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેમજ એન.આર.આઈ. પતિથી ભારતીય સ્ત્રીઓની સુરક્ષા માટે તેમજ આઈ.પી.સી., સી.આર.પી.સી.માં સુધારા માટે અનેક ઉપયોગી સૂચનો સરકારને કર્યા છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલમાં તેઓ સભ્ય તરીકે હતા.
ગુજરાતના પ્રદિપ શર્મા લાંચ કેસ અને જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેઓ ખાસ સરકારી વકીલ તરીકે હતા. 66 વર્ષના અભય ભારદ્વાજને ઓગષ્ટના અંતમાં કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ તો નેગેટીવ આવ્યો પણ તે પહેલા કોરોનાથી તેમના ફેફસાંમાં ખૂબ મોટુ નુક્શાન થયું હતું.
તેમની હાલત ગંભીર થતા રાજ્ય સરકારે અમદાવાદ અને સુરતના સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોની ટીમ પણ સપ્ટેમ્બરમાં રાજકોટ મોકલી હતી. શરીરમાં ઓક્સીજન પહોંચાડવાનું અને કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકવાનું કાર્ય ખોરવાયું હોય રાજકોટમાં તેમને ઈકમો મશીન ઉપર મુકવામાં આવ્યા હતા અને બાદમાં એરલીફ્ટ કરીને ચેન્નાઈ સારવાર માટે લઈ જવાયા હતા.
જ્યાં તેમની દેશના નામાંકિત તબીબો દ્વારા સારવાર હાથ ધરાઈ હતી અને થોડો સુધારો પણ જણાયો હતો પરંતુ, અંેતે જિંદગીનો જંગ તેઓ હાર્યા હતા અને આજે અંતિમ શ્વાસ લીધા છે. ભાજપના અગ્રણી ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે અભયભાઈના પાિર્થવ દેહને રાજકોટ લાવવામાં આવી રહ્યો છે અને અહીં તેમની અંતિમવિિધ કરાશે.
રાજકોટમાં ઓગષ્ટમાં કોરોનાના કેસો વધવા લાગ્યા ત્યારે અભયભાઈએ પોતે ખભા પર સ્પ્રે લટકાવી સોનીબજારમાં ચાલીને સેનેટાઈઝ કરવા નીકળી પડયા હતા. માર્ચમાં ભાજપે તેંમને રાજ્યસભાના સભ્ય ચૂંટવા પસંદ કર્યા ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગણી પ્રસરી હતી અને તેઓ જૂલાઈમાં રાજ્યસભા સભ્ય બન્યા હતા.
મૂળ પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં શિક્ષક દંપત્તિના ઘરે તા.2-4-1954ના રોજ જન્મેલા અભય ભારદ્વાજે બાળપણમાં યુગાન્ડામાં સિવિલ વોરના પગલે છોડીને તેઓ 1969માં રાજકોટમાં પરિવાર સાથે આવ્યા હતા અને ત્યારથી રાજકોટને જ કર્મભુમિ બનાવી છે. 16 વર્ષની ઉંમરે ગુજરાન ચલાવવા તેઓ પત્રકાર તરીકે કામગીરી કરી હતી અને 1980માં તે બી.એ.એલ.એલ.બી.ના શિક્ષણ બાદ વકીલાત શરૂ કરી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટના લોધાવાડ ચોક ખાતે તેમના માર્ગદર્શનમાં અનેક વકીલો તૈયાર થયા છે. 1984માં અલકાબેન સાથે તેમના લગ્ન થયા હતા.તેઓ બે પુત્રી આશ્કા અને અમૃતા તથા પુત્ર અંશ અને લાખો ચાહકોને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના ભાઈ નિતીન ભારદ્વાજ રાજકોટમાં કોર્પોરેટર અને ભાજપના અગ્રીમ નેતા છે.
આજે બપોરે પાર્થિવ દેહ રાજકોટ લાવીને નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે રખાશે
આજે મોડી રાત્રે શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, અભયભાઈના પાિર્થવ દેહને બુધવારે ચેન્નાઈથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાંથી બાય રોડ રાજકોટ બપારે 12 થી 2ની વચ્ચે લાવવામાં આવશે તથા બપોરે તેમના નિવાસસૃથાને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે, એ પછી કોરોના ગાઈડલાઈન મુજબ માત્ર 50 લોકો જ તેમની અંતિમ યાત્રામાં જોડાશે.
મુખ્યમંત્રી-રાજ્યપાલે સાંસદ અભય ભારદ્વાજને અંજલિ આપી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના અવસાન અંગે ઘેરો શોકની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અભય ભારદ્વાજ અવલ દરજ્જાના ધારાશાસ્ત્રી, એક અદના સાથી સહકાર્યકર્તા પરમ મિત્ર હતા. દેશ, ધર્મ, સંસ્કૃતિ સમાજ માટે તેમની પ્રતિબદ્ધતા અજોડ હતી. તેઓ સૌને સાથે લઈને જ ચાલવામાં માનતા હતા. તેમના અવસાનથી ભાજપે એક સંનિષ્ટ કાર્યકર્તા ગુમાવ્યા છે. આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે અભય ભારદ્વાજ એક કર્મઠ કાર્યકર્તા તરીકે પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. તેમની ચિરવિદાયથી ગુજરાતના જાહેરજીવનમાં પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.