ઘોડાસરમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવકનું સ્થળ ઉપર મોત
વાહન ચાલકો માટે ચેતવણી રૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો
બાઇક ઉપર બેસીને પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવતા લોહી લુહાણ હાલતમાં પટકાયો
અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં ઉતરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાઇક ઉપર બેસીને પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવતા લોહી લુહાણ હાલતમાં પટકાયો
વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.ગઢવીના જણાવ્યા મુજબ નારોલ વિસ્તારમાં રહેતો ઉ.વ.૨૭ વર્ષનો યુવક આજે સાંજે ૬ વાગે બાઇક લઇને ઘોડાસર ચોકડીથી કેનાલ તરફ આવી રહ્યા હતા. આ સમયે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતાં યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને લોહી લુહાણ હાલતમાં મૃત્યું પામ્યો હતો.
પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવી ગઇ હતી જેથી યુવક ગાળામાથી દોરી હટાવવા પ્રયાસ કરી રહ્યો પરંતુ ગળુ કપાઇ જતાં રોડ ઉપર પટકાતાં મોત થયું હતું, પોલીસને બાઇકમાં ફસાયેલી ચાઇનીઝ દોરી પણ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. હજુ ઉત્તરાયણ પર્વને બે મહિના બાકી છે ત્યારે અત્યારથી રોડ ઉપર પતંગ ચગાવવાના શરુ થઇ ગયા છે તેમાંયે ગંભીર બાબત એ છે કે પતંગ ચાઇનીઝ દોરીથી ચગાવવામાં આવી રહ્યા છે.