રાજસ્થાનના યુવકને રિક્ષામાં બેઠેલા શખ્સે પકડયો રિક્ષા ચાલકે માર મારી છરી બતાવી લૂંટી લીધો

ગીતામંદિર બસ સ્ટોપ, રેલવે સ્ટેશને શટલ રિક્ષા ચાલકો દ્વારા લૂંટવાના વધતા બનાવો

મધરાતે અંધારામાં લઇ જઇને રૃા. ૧૧૦૦ લૂંટી લીધા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનના યુવકને રિક્ષામાં બેઠેલા શખ્સે પકડયો રિક્ષા ચાલકે માર મારી છરી બતાવી લૂંટી લીધો 1 - image

અમદાવાદ,શુક્રવાર

કોટ વિસ્તારમાં ગીતામંદિર બસ સ્ટોપ તથા કાલુપુર રેલવે સ્ટેશને શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા પેસેન્જરનો સસ્તા ભાડાની લાલચ આપીને રિક્ષામાં બેસાડીને માર મારીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે રાતે રાજસ્થાનથી આવેલો યુવક ગીતા મંદિર બસ સ્ટેન્ડથી સારંગપુર જવા માટે શટલ રિક્ષામાં બેઠો હતો. જ્યાં રિક્ષા ચાલકે અંધારમાં લઇ જઇને પાઠળ બેઠેલા શખ્સે યુવકને પકડયો હતો અને રિક્ષા ચાલકે છરી બતાવીને પૈસા આપી દે કહીને માર મારીને યુવક પાસેથી રૃા. ૧૧૦૦ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક ૨૦ રૃા.ભાડામાં ગીતામંદિર બસ સ્ટેન્ડથી શટલ રિક્ષામાં બેસીને સારંગપુર જતા મધરાતે અંધારામાં લઇ જઇને રૃા. ૧૧૦૦ લૂંટી લીધા

રાજસ્થનના ડુંગરપુર જિલ્લાના સાગવાડા ખાતે રહેતા અને મંદિરનું શિલ્પકામ કરતા ભાનુંપ્રસાદ વિષ્ણુંભાઇ સોમપુરા (ઉ.વ.૪૪)એ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર ઉતાર્યા બાદ ત્યાં સારંગપુર જવા માટે શટલ રિક્ષામાં રૃા. ૨૦ ભાડું નક્કી કરીને બેઠો હતો. રિક્ષા ચાલકે મધરાતે રિક્ષા સારંગપુર પાણીની ટાંકી પાસે અંધારા લઇ ગયો હતો અને રિક્ષા ઉભી રાખી દીધી  હતી.

દરમિયાન રિક્ષામાં પાછળ યુવક પાસે બેઠેલા શખ્સે તેને પકડી લીધો હતો અને રિક્ષા ચાલકે છરી કાઢીને ડરાવ્યા બાદ તારા પાસે જે પૈસા હોય તે આપી દે કહીને માર મારીને યુવક પાસેથી રોકડ રૃા. ૧૧૦૦ની લૂંટ ચલાવીને રિક્ષા લઇને નાસી ગયા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News