Get The App

વિરાટનગર વોર્ડની 25 હજારની વસ્તીનું જીવન દોહ્યલું બની ગયું

- ગેરકાયદે બળતા પ્લાસ્ટિક વેસ્ટથી રહીશો પરેશાન

- જીપીસીબીને લેખિત પત્ર લખાયો હતો

Updated: Jan 18th, 2021


Google NewsGoogle News
વિરાટનગર વોર્ડની 25 હજારની વસ્તીનું જીવન દોહ્યલું બની ગયું 1 - image


અમદાવાદ,રવિવાર,17 જાન્યુ,2021

પૂર્વ અમદાવાદના વિરાટનગર વોર્ડમાં આવેલી ફેકટરીઓ પૈકી દસથી બાર જેટલી ફેકટરીઓ દ્વારા રોજ રાતના સમયે ફેકટરીઓમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટને સળગાવવામાં આવી રહ્યો છે.રહેણાંક વસ્તીમાં ધમધમતી આ ફેકટરીઓ જે પ્રમાણે જાહેરમાં પ્લાસ્ટિકના કચરાને બાળી રહી છે એને લઈ વિરાટનગર વોર્ડની ૨૫ હજાર લોકોની વસ્તી માટે જીવન જીવવું દોહ્યલું બની ગયું છે.એક જ સ્થળે આ તમામ ફેકટરીઓના પ્લાસ્ટિક વેસ્ટને જાહેરમાં સળગાવવામાં આવતો હોવાથી કચરાનો ધુમાડો લોકોના શ્વાસમાં જવાથી સ્થાનિક રહીશો શ્વાસ લેવામાં પણ ગુંગળામણ અનુભવી રહ્યા છે.લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે.ઓકટોબર-૨૦૨૦માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને વટવામાં આવેલી પ્રાદેશિક કચેરી સમક્ષ  ગણેશપાર્ક સોસાયટીના રહીશો દ્વારા આ અંગે લેખિતમાં રજુઆત કરવામાં આવ્યા બાદ સવા વર્ષ પછી પણ આ ફેકટરીઓ સામે કોઈ કાર્યવાહી ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કરવામાં આવી નથી.

વિરાટનગર વોર્ડના ઓઢવ જી.આઈ.ડી.સી.ના ખુલ્લા પ્લોટમાં તેમજ હિંદુસ્તાન માર્બલ સામે આવેલા અરુણ એસ્ટેટમાં દસથી બાર જેટલી ફેકટરીઓ ધમધમી રહી છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક અને કેમીકલ વેસ્ટના નિકાલ માટે અમલમાં મુકવામાં આવેલી ગાઈડલાઈનનું આ ફેકટરીઓ દ્વારા કોઈ પ્રકારે પાલન કરવામાં આવતું નથી.બીજી તરફ ગુજરાત પોલ્યુશન બોર્ડ,તેની વટવા ખાતેની પ્રાદેશિક કચેરી ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ,સોલિડ વેસ્ટ વિભાગ તથા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આ વિસ્તારમાં ધમધમતી ફેકટરીઓ કાયદેસર છે કે ગેરકાયદેસર એ અંગે પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી.

જો કાયદેસર હોય તો રહેણાંક વિસ્તારમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી જાહેરમાં પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ બાળતી અને ૨૫ હજાર લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરી રહેલી ફેકટરીઓને કયા કારણસર કલોઝર નોટિસ આપવામાં આવતી નથી? એવો સવાલ આ ૨૫ હજારની વસ્તી દ્વારા જવાબદાર તંત્રમાં ફરજ બજાવતા સંબંધિત અધિકારીઓને કરવામાં આવી રહ્યો હોવાનું વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર રણજિતસિંહ બારડે એક પ્રતિક્રીયા આપતા કહ્યું છે.

રોજ રાતે પ્લાસ્ટિક વેસ્ટ બળવાથી દુર્ગંધ ફેલાય છે

આ ફેકટરીઓ દ્વારા જે પ્રમાણે રોજ રાતે પ્લાસ્ટિક વેસ્ટને જાહેરમાં સળગાવવામાં આવે છે એ કારણે આસપાસની અનેક સોસાયટીઓમાં રહેતા હજારો લોકોના શ્વાસ સુધી ઝેરી ધુમાડો પહોંચે છે અને દુર્ગંધ ફેલાય છે.જેને લઈને લોકોને શ્વાસ લેવામાં પણ ગભરામણનો અનુભવ થઈ રહ્યો છે.કેટલીક ફેકટરીઓ તો પ્લાસ્ટિક વેસ્ટ સળગાવીને મશીન દ્વારા ધુમાડો બહાર ફેંકે છે એમ પણ સ્થાનિક રહીશોમાંથી જાણવા મળ્યું છે.

કઈ-કઈ સોસાયટીઓના રહીશો ઉપર ઝેરી ધુમાડાની અસર?

આ વોર્ડમાં આવેલી ગણેશ પાર્ક સોસાયટી,રાધાકૃષ્ણ સોસાયટી,ગોપીનાથ સોસાયટી,ક્રીષ્નાપાર્ક સોસાયટી,માધવ ફલેટ, માધવ રેસીડેન્સી સહીતની અનેક સોસાયટીઓમાં રહેતા લોકો રોજ આ ફેકટરીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી ધુમાડાની અસરના ભોગ બની રહ્યા છે.

કેમીકલયુકત પ્લાસ્ટિકના બેરલ ખુલ્લામાં રખાય છે

સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,આ ફેકટરીઓ માત્ર પ્લાસ્ટીક વેસ્ટને જાહેરમાં બાળવાથી અટકતી નથી.પરંતુ આ ફેકટરીઓ દ્વારા તેમના કેમીકલયુકત પ્લાસ્ટિકના બેરલો પણ ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરીને રાખવામાં આવ્યા હોવાથી દિવસ દરમ્યાન પણ સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ મારતી હોય છે.ઉપરાંત અસહ્ય ગંદકીના કારણે દિવસ અને રાતના સમયે મચ્છરોનો ત્રાસ પણ આ વિસ્તારના રહીશોને સહન કરવો પડે છે.

સવા વર્ષ પછી પણ કોઈ કાર્યવાહી ના કરાઈ

ગણેશપાર્ક સોસાયટીના રહીશો દ્વારા આ જાહેર આરોગ્યને ખતરામાં નાંખતી પ્રવૃત્તિ અટકાવવા ૨૩ ઓકટોબર-૨૦૨૦ના દિવસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન અને પ્રાદેશિક શાખા,વટવાના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.આમ છતાં આજે સવા વર્ષ પછી પણ પ્રદૂષણ બોર્ડના સંબંધિત અધિકારીઓએ કડક કાર્યવાહી કરવાનું ટાળીને આ ફેકટરીઓના માલિકોના અંગત સ્વાર્થને પોષવાનું કામ કર્યુ હોવાનો આ ઝેરી ધુમાડાથી ત્રસ્ત અને ત્રાહીમામ બની ગયેલા સ્થાનિક રહીશોનું કહેવું છે.


Google NewsGoogle News