વટવામાં બીબીપુરા સ્પોર્ટ્સ સંકુલમાં દીપડો દેખાતા ફફડાટ
- CCTV ફૂટેજમાં મેદાનમાં દીપડો ફરતો દેખાયો
- વન વિભાગની 40 સભ્યોની ટીમે આજુબાજુના 10 ગામોના ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
અમદાવાદ,તા.04 માર્ચ 2021, ગુરૂવાર
વટવા પાસે બીબીપુરા સ્પોર્ટ્સ સંકુલના ગ્રાઉન્ડમાં મંગળવારે રાત્રે ૧.૧૫ કલાકે દીપડો ફરી રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની ૪૦ સભ્યોની ટીમ દ્વારા આજુબાજુના ગામો, ખેતરો અને વગડાઓમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી દેવાયું છે.
બીબીપુરા સ્પોર્ટ્સ સંકુલનો વંઢો કુદીને ગ્રાઉન્ડમાં આવી ચઢેલો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું આ સ્પોર્ટ્સ સંકુલના ઇન્ચાર્જ કમલ પાલે ગામના સરપંચ, તલાટી અને વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમો દોડી આવી હતી.
આ અંગે ગામના સરપંચ બાબુભાઇ ઝાલાના જણાવ્યા મુજબ સીસીટીવીમાં દીપડા જેવું પ્રાણી જોવા મળ્યું છે. જેને લઇને વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. દીપડો આવી ચઢ્યો હોવાની વાત વાયું વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા અને વન વિભાગની પુછપરછ અને દોડધામને લઇને ગ્રામજનોમાં ફફડાય ફેલાયો છે.
બીબીપુરા, વાંચ, હાથીજણ, ગત્રાળ, મેમદપુરા, વટવા, ઘામતવણ, ગેરતપુર, વડોદરા સહિતના આજુબાજુના દશેક ગામોના ખેતરોમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વન વિભાગના અધિકારીઓ દીપડો હોવાની બાબતે પુરેપુરા ચોક્કસ નથી તેમ છતાંય તેઓ કોઇ તક લેવા માંગતા ન હોવાથી મોટાપાયે શોધખોળ હાથ ધરી દીધી છે.
આજુબાજુના ગામોના લોકોને પણ સુચના અપાઇ છેકે જો તેઓ દીપડા જેવું કોઇ પ્રાણી જોવે તો તેઓ તાત્કાલિક જાણ કરે. હાલમા ંએ સ્થિતિ સર્જાઇ છેકે સાંજ બાદ ગામની બહાર કોઇ નીકળવા તૈયાર નથી. ગામમાં રાત્રિ દરમિયાન ધારિયા, લાકડિયો સહિતના હથિયારો સાથે લોકો રાત્રિ પહેરો ભરી રહ્યા છે. ખેતરોમાં કોઇ રાત્રે પાણી વાળવા માટે પણ રોકાતું નથી.
નોંધપાત્ર છેકે વસ્ત્રાલમાં થોડા મહિના અગાઉ દીપડો આવ્યો હોવાની વાતે ભારે જોર પકડયું હતું. તપાસમાં એક સીસીટીવી ફૂટેજમાં દીપડો નહીં પરંતુ ઝરખ પ્રાણી હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ ગ્રામજનોને હાશકારો થયો હતો. હવે બીબીપુરામાં દીપડા જેવું પ્રાણી દેખાતા ફરી પાછો ફફડાય ફેલાયો છે.