સ્ટીલનું કારખાનું કરી આપી રૃપિયા માગતા કારીગરે વેપારીની હત્યા કરી
રખિયાલમાં વેપારીને ધરમ કરતા ધાડ પડી
સાત લાખ આપી દેવાનું નહીતર કારખાનું ખાલી કરવાનું કહેતા માથામાં હથોડા મારી હત્યા કરી
અમદાવાદ,બુધવાર
રખિયાલમાં વેપારીને ધરમ કરતા ધાડ પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીએ સાત ખર્ચ કરીને કારીગરને સ્ટીલનું કારખાનું બનાવી આપ્યું હતું. જો કે મહિને હપ્તાથી રૃપિયા આપવાનું નક્કી થયું હતું. તેમ છતાં કારીગર રૃપિયા આપતા ન હતો. ગઇકાલે રાતે વેપારીએ રૃપિયાની માંગણી કરતાં કારીગરે માથામાં હથોડા મારીને વેપારીની હત્યા કરી હતી. આ બનાવ અંગે રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાત લાખ આપી દેવાનું નહીતર કારખાનું ખાલી કરવાનું કહેતા માથામાં હથોડા મારી હત્યા કરી
રખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના પરવેઝ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ ઉપરોક્ત સ્થળે ત્રણ વર્ષની સ્ટીલનું કારખાનું ધરાવતા હતા. આરોપી તેમના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. આરોપીએ સ્ટીલનું કારખાનું કરી આપવાની વાત કરતાં મહિલાના પતિએ કારખાનાના ઉપરના માળે સ્ટીલની બટર ફ્લાયની ડિઝાઇન બનાવવાનું કારખાનું બનાવી આપ્યું હતું જેનો ખર્ચ સાત લાખ થયો હતો.
કારીગર સાથે મહિને હપ્તાથી રૃપિયા ચૂકવવાની વાત થઇ હતી પરંતુ મહિને હપ્તા કરીને રૃપિયા આપતો ન હતો બીજીતરફ દિવાળીનો તહેવાર હોવાથી ફરિયાદી મહિલાના પતિ ગઇકાલે રાતે આરોપી પાસે રૃપિયાની ઉઘરાણી કરવા માટે ગયા હતા તેઓ આરોપીને રૃપિયા ન આપવા હોય તો કારખાનું ખાલી કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીના પતિને માથામાં લોખંડના હથોડા મારીને હત્યા કરી નાસી ગયો હતો.