36 વર્ષના યુવાને ચા પીધી અને ઢળી પડયો, ડોક્ટરે મૃત જાહેર કર્યો
છૂટક મજૂરી કરતો યુવાન પાણીગેટમાં મીઠાની ફેક્ટરીમાં કામ પર આવ્યો હતો, હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ
વડોદરા : કોરોના પછી નાની ઉમરમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓનો સિલસિલો ચાલુ જ છે. આજે સવારે પાણીગેટ વિસ્તારમાં મીઠાની ફેક્ટરીમાં કામ પર આવેલા ૩૬ વર્ષના યુવાન મજૂરનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
વડોદરા નજીક વાઘોડિયા તાલુકાના ઉમરવા ગામે બારીયા ફળીયામાં રહેતો અનિલ નગીનભાઇ ચૌહાણ (ઉ.૩૬) છૂટક મજૂરી કરતો હતો. આજે સવારે તે પાણીગેટ વિસ્તારમાં આવેલી મીઠાની ફેક્ટરીમાં કામ પર આવ્યો હતો. કામ શરૃ કરતા પહેલા સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં તેણે ચા પીધી હતી.ચા પીધા બાદ તે ઢળી પડયો હતો. તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અનિલનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળે છે.