વધુ 7 નવી નર્સિંગ કોલેજને મંજૂરી : બે હજાર બેઠકો વધી
- ઘણી કોલેજો હજુ બાકાત
- આજથી શરૂ થતા બીજા રાઉન્ડમાં 12થી 13 હજાર બેઠક માટે ચોઈસ ફિલિંગ
અમદાવાદ, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર
પેરામેડિકલમાં નર્સિંગની વધુ 7 કોલેજોને મંજૂરી મળી છે અને હજુ પણ ત્રણથીચારને મળે તેવી શક્યતા છે.નવી કોલેજો સાથે પેરામેડિકલમાં નર્સિગની બે હજાર જેટલી બેઠકો વધી છે.આવતીકાલથી શરૂ થતા બીજા રાઉન્ડમાં અગાઉની ખાલી બેઠકો અને નવી બેઠકો સાથે 12થી13 હજાર બેઠકો માટે પ્રક્રિયા થશે.
બી.એસ.સી નર્સિગ, જનરલ નર્સિંગ અને ઓક્ઝલરી નર્સિંગ સહિતના યુજી નર્સિંગના કોર્સમાં 45 નવી કોલેજોને મંજૂરી મળ્યા બાદ વધુ 7 નવી કોલેજોને મંજૂરી મળી છે.આ સાથે હાલ 52 નવી કોલેજો ઉમેરાઈ છે.
પેરામેડિકલમાં પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટમાં 3 હજાર જેટલી બેઠકો ખાલી હતી અને ફી ભરી રીપોર્ટિંગ કરવાની પ્રક્રિયામા 9 હજાર બેઠકો નોન રીપોર્ટેડ હતી. જ્યારે 94 જેટલી કોલેજોની બેઠકો ઓફર થયા બાદ પણ ખાલી રહેતા હવે તે બીજા રાઉન્ડમાં નહી ઉમેરાય.
નવી આવેલી 52 નર્સિંગ કોલેજોમાં 15 કોલેજોના જોડાણ સહિતના ડોક્યુમેન્ટ બાકી હોવાથી બીજા રાઉન્ડમાં હાલ નહી ઉમેરાય.પ્રથમ રાઉન્ડમાં હયાત કોલેજોમાંથી 55 કોલેજોની મંજૂરી ન આવી હોવાથી બેઠક ફાળવણીમા ઉમેરાઈ ન હતી.
પરંતુ હવે 50 કોલેજોની મંજૂરી આવી જતા આ કોલેજોની બેઠકો બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગમાં ઉમેરાશે અને ફાળવણી થશે. અંદાજે 12થી13 હજાર બેઠકો માટે બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ થશે અને જે 5મી સુધી ચાલશે.