દંપતીની ખોટી સહીઓ કરીને બેન્કોમાંથી લોન લઈને 4.5 કરોડની છેતરપિંડી
- પ્રહલાદનગરમાં બનેલી ઘટના
- આરોપીની કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા વેપારી અને તેની પત્નીની જાણ બહાર દસ્તાવેજા પુરાવાનો દુરૂપયોગ કર્યો
અમદાવાદ, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર
પ્રહલાદનગરમાં રહેતા દંપતીની ખોટી સહીઓ કરીને જુદી જુદી બેન્કો અને ફાઈનાન્સ કંપનીમાંથી ૪.૫ કરોડની બિઝનેસ લોન લઈને છેતરપિંડી કરનારા શખ્સ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ પ્રહલાદનગરમાં સેપલ ગારનેટમાં રહેતા મુકેશ બી.ચોરડીયા કાલુપુરમાં ટ્રેડીંગ કંપની ધરાવે છે. તેમના મિત્ર અને એસ.જી.હાઈવે પર પુરૃષોત્તમ બંગ્લોઝમાં રહેતા કૃષ્ણકાંત ભીમસેન ગોયલે ંકેશભાઈને કહ્યું હતું કે તે ગાંધીનગર ખાત્રજ ખાતે લક્ષ પોલીટેક્ષ પ્રા.લી.કંપની ધરાવે છે. હાલમાં તેમની સાથે કામ કરતા ડિરેક્ટર સાથે બનતુ ન હોવાથી તેમનાથી અલગ થવા માંગુ છું અને તમે કંપનીમાં રોકાણ કરીને જોડાવ એમ મુકેશભાઈને કહ્યું હતું.
આથી મુકેશભાઈ ૨૦૧૬માં લક્ષ પોલીટેક્ષ પ્રા.લી.કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા અને મુકેશભાઈએ તેમના અને તેમની પત્નીના નામથી કુલ ૧ કરોડના શેર ખરીદ્યા હતા. ત્યારબાદ મુકેશભાઈએ શેર અને ડિરેક્ટરનું પદ તેમના પિતા બાબુલાલ ચોરડીયાને નામે ટ્રાન્સફર કર્યું હતું.
દરમિયાન કૃષ્ણકાંત ગોયલે મુકેશભાઈ અને તેમના પરિવારના સભ્યોનો વિશ્વાસ કેળવીને ૩ કરોડના શેર તથા એક કરોડ રોકડા સી.સી.ખાતા પવનકુમાર વિજયકુમાર પેઢીના ખાતામાં જમા કરાવ્યા હતા. બાદમાં ગોયલે તેમના મળતીયાઓ મારફતે જુદી જુદી બેન્કો અને ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ સાથે મળીને મુકેશભાઈ અને તેમની પત્નીના દસ્તાવેજા પુરાવાનો દુરૃપયોગ કરીને ૪.૫ કરોડની બિઝનેસ લોન મેળવીને છેતરપિંડી કરી હતી.