વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે વીજ કંપનીના 44 ફીડરો બંધ, 3 લાખ લોકો હજી વીજળી વગર, સુરતથી 50 ટીમો મદદ માટે બોલાવાઈ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે વીજ કંપનીના 44 ફીડરો બંધ, 3 લાખ લોકો હજી વીજળી વગર, સુરતથી 50 ટીમો મદદ માટે બોલાવાઈ 1 - image


Vadodara Rain Update MGVCL : વડોદરા શહેરમાં મંગળવારે સાંજ બાદ વિશ્વામિત્રીના પૂરના પાણી ઓસરવાના શરૂ થયા બાદ આજથી સ્થિતિ ધીરે-ધીરે થાળે પડવાનું શરૂ તો થયું છે પણ હજીય વડોદરાના સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં હોવાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીના 44 ફીડરો તેમજ 170  જેટલા ટ્રાન્સફોર્મરોને ચાલું કરી શકાયા નથી.

જેના કારણે વડોદરામાં હજી દોઢ લાખ જેટલા જોડાણો પર વીજ પૂરવઠો ચાલુ થઈ શક્યો નથી. પૂર આવ્યા બાદ ચોથો દિવસ છે જ્યારે 3 લાખ જેટલા લોકો હજી પણ અંધારપટનો સામનો કરી રહ્યાં છે. કારણકે પાણીના કારણે વીજ કંપની સપ્લાય ચાલું કરી શકે તેવી સ્થિતિમાં નથી.

વીજ કંપનીના એમડી તેજસ પરમારે કહ્યું હતું કે, ગઈકાલે જેટકોના બે સબ સ્ટેશનો વિદ્યુતનગર અને અટલાદરામાં પાણી ભરાઈ ગયા હતા. વિદ્યુતનગર સબ સ્ટેશનમાં આજે સવારથી સાફ સફાઈ કરીને તેની સાથે જોડાયેલા 27 ફીડરો પર વીજ પુરવઠો સાવચેતીપૂર્વક શરૂ કરવામાં આવી રહ્યો છે. આમ છતા અટલાદરા, માંજલપુર, સમા, હરણી, કારેલીબાગ, વડસરના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પૂરના પાણી હજી પણ ભરાયેલા હોવાના કારણે વીજ પુરવઠો ચાલુ કરી શકાયો નથી.

તેમણે કહ્યું હતું કે, મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની મદદ માટે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વધારે 50 ટીમોને બોલાવવામાં આવી છે. દરેકે દરેક ફીડરની અને તેની સાથે જોડાયેલા ટ્રાન્સફોર્મરોની ચકાસણી કરીને લાઈટો ચાલુ કરાઈ રહી છે. કારણકે ટ્રાન્સફોર્મરો લાંબા સમય સુધી પપાણીમાં હોય તો તેમાં ક્યારેક ધડાકો થવાની પણ શક્યતા રહેતી હોય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જો પૂરના પાણી ઝડપથી ઉતરતા રહેશે તો સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજ સપ્લાય ફરી શરુ કરવાનુ શક્ય બનશે.

આ પણ વાંચો : વડોદરામાં રાહતના સમાચાર વચ્ચે આફત યથાવત, 4 દિવસ બાદ પણ દયનીય હાલત, મગરો નગરચર્યાએ નીકળ્યા


Google NewsGoogle News