AI , સાયબર સિક્યોરીટી તેમજ ડીપ ફેક સૌથી મોટો પડકારઃ એસ. જયશંકર
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ત્રીજો દિક્ષાંત સમારોહ યોજાયો
બે એનએસજી કમાન્ડો સહિત ૧૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયાઃ ૪૧૪ વિદ્યાર્થીઓએ ડીપ્લોમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના વિવિધ કોર્સ પૂર્ણ કર્યા
અમદાવાદ, શનિવાર
ગાંધીનગરના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતે વિદેશ મંત્રી એસ જયશંકરની ઉપસ્થિતિમાં ત્રીજો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૧૪ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમોમાં ડીપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. ડૉ. એસ જયશંકરે દેશની સરહદની સુરક્ષાની સાથે આંતરિક સુરક્ષા ખુબ જ અગત્યની છે. તો તેમણે સાયબર સિક્યોરીટી, આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ અને ડીપ ફેકને આગામી સમયના સૌથી મોટા પડકાર ગણાવ્યા હતા. રક્ષા શક્તિ યુનિવર્સીટી ખાતે સાયબર સિક્યોરીટી, પોલીસીંગ સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ પૂર્ણ કર્યા હતા. ગાંધીનગર જિલ્લાના લવાડમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતે ત્રીજો દિક્ષાંત સમારોહ યોજાયો હતો.
જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે દિક્ષાંતીઓ અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીની કામગીરી દેશની આંતરિક સુરક્ષા માટે ખુબ મહત્વની છે. રાષ્ટ્રીય સરહદની સુરક્ષાની સાથે આંતરિક સુરક્ષાને વધુ મજબુત કરવા માટે રક્ષા શક્તિ યુનિવર્સીટી દ્વારા દેશની વિવિધ પોલીસ ફોર્સ અને સુરક્ષા એજન્સીઓના ્અધિકારીઓને કરાવવામાં અભ્યાસ ક્રમ અને તાલીમના નોંધપાત્ર પરિણામો મળી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે દેશ વિરોધી તત્વોને કારણે આંતરિક સુરક્ષા ન જોખમાઇ તે માટે લડતા રહેવું જરૂરી છે. ખાસ કરીને આવનારા સમયમાં સાયબર સિક્યોરીટી, આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ,ફેક ન્યુઝ અને ડીપફેક આવનારા સમયના સૌથી મોટા પડકાર છે.
દિક્ષાંત સમારોહમાં કુલ ૪૧૪ ુવિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાયા હતા. જેમાં ડીપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ ફીલ અને પી એચની ડીગ્રીનો સમાવેશ થાય છે. આ સાથે બે એનએસજી કમાન્ડો સહિત ૧૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. દિક્ષાંત સમારોહમાં વાઇસ ચાન્સેલર ડૉ, વિમલ પટેલ , આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.