વડોદરામાં 24 કલાકમાં હાર્ટ એટેકથી બે યુવક સહિત 3 ના મોત
વડોદરા : છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે તેની સાથે હાર્ટ એટેકની ઘટનાઓ પણ વધી છે. શહેરમાં વિતેલા ૨૪ કલાકમાં ૩૦ વર્ષના યુવક સહિત ૩ વ્યક્તિઓએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે.
સિક્યોરિટી ગાર્ડ કેબિનમાં ટિફિન ખોલીને જમવાનું શરૃ કરે તે પહેલા જ ઢળી પડયો
ગોરવા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતો ૩૦ વર્ષિય દેવેન્દ્ર ભાઇલાલભાઇ મકવાણાના પિતા બીમાર હોવાથી તેના પિતાના સ્થાને ગત રાત્રે છાણી ટીપી ૧૩માં આવેલી ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવવા ગયો હતો. લગભગ ૯.૩૦ વાગ્યે તે ટિફિન ખોલીને જમવાની તૈયારી કરતો હતો તે સમયે જ અચાનક બેભાન થઇને ઢળી પડયો હતો. ફરજ પરના અન્ય લોકો દેવેન્દ્રને રીક્ષા મારફતે તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
રીક્ષા ચાલકને ગભરામણ થતાં દવા લઇને ઘરે આવ્યા બાદ મોત
ખોડિયારનગર નજીક વિશ્વકર્મા મંદિર પાસે આવેલ લક્ષ્મીનગરમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો ૪૨ વર્ષનો યુવક હરિશચંદ્ર અમરપાલ યાદવ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. અગાઉ તે સંજયનગરમાં રહેતો હતો જો કે સંજયનગર તુટતા તે લક્ષ્મીનગરમાં રહેવા આવ્યો હતો જ્યારે તેની પત્ની અને બાળકો જોનપુર પરત જતા રહ્યા હતા. હરિશચંદ્ર આજે સવારે રીક્ષા લઇને નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેને બેચેની લાગતા ડોક્ટર પાસેથી દવા લઇને ઘરે આવ્યો હતો. બપોરે બે વાગ્યાના અરસામાં તેને છાતીમાં દુખાવો થતા તે ઢળી પડયો હતો. તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
૫૭ વર્ષના નિવૃત્ત કર્મચારીને ઘરમાં જ એટેક આવ્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત
ગાજરાવાડી વિસ્તારમાં માળી મહોલ્લામાં રહેતા ૫૬ વર્ષના દિનેશભાઇ રામાભાઇ માળી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન વિતાવતા હતા. રવિવારે સાંજે ૭ વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં હતા ત્યારે છાતીમાં દુખાવો થતાં તેઓને જમનાબાઇ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.