ઓનલાઇન ઠગો બેફામ બન્યા, CIDએ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવાની પોલિસી બદલતાં 28000 ખાતા અનફ્રિઝ થયા

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ઠગો બેફામ બન્યા, CIDએ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવાની પોલિસી  બદલતાં 28000 ખાતા અનફ્રિઝ થયા 1 - image

વડોદરાઃ ઓનલાઇન ઠગો બેફામ બનતાં પોલીસની કામગીરી વધી ગઇ છે.જેને કારણે અનેક કિસ્સાઓમાં નિર્દોષ વ્યક્તિના આખા એકાઉન્ટ ફ્રિઝ કરવાની પોલિસી બદલવામાં આવી છે અને હવે માત્ર ખાતામાં અસરગ્રસ્ત રકમ પૂરતો ભાગ જ ફ્રિઝ કરવામાં આવશે.

ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા કમિશન આપીને સ્થાનિક લોકોના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.કેટલીક વાર વ્યક્તિને જાણ નથી હોતી અને તેના ખાતામાં ફ્રોડની રકમનો વ્યવહાર થતો હોય છે.ઠગો દ્વારા ઓનલાઇન ખરીદી કરવામાં આવે તો વેપારીના એકાઉન્ટ ફ્રિઝ કરવાના પણ કિસ્સા બન્યા છે.

આ પ્રકારના આખા રાજ્યામાં સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યા હોવાથી સીઆઇડી દ્વારા સમીક્ષા કરીને રાજ્યના ૨૮ હજાર બેન્ક એકાઉન્ટ અન ફ્રિઝ કરવામાં આવ્યા છે.હવે ઠગાઇના કિસ્સામાં આખા બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવાને બદલે માત્ર છેતરપિંડીની રકમ પુરતા ભાગને ફ્રિઝ કરવામાં આવશે.

સાયબર ફ્રોડના બનાવો અટકાવવા માટે વડોદરા સાયબર સેલના એસીપી એમ એમ રાજપૂતે કહ્યું હતું કે,ઓનલાઇન ઠગો સૌથી વધુ શેરમાર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગતા હોય છે.આ ઉપરાંત ટાક્સ આપવાના નામે,સીઆઇડી કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવાના નામે,કુરિયરના નામે અને વોટસએપ હેક કરીને ઠગાઇ કરતા હોય છે.જો લોકો આવા કેસોમાં જાગૃતિ રાખે તો ચોક્કસ બચી શકાય તેમ છે.

વડોદરા સાયબર સેલે એક મહિનામાં રૃ.1 કરોડનું રિફંડ અપાવ્યું

વડોદરામાં ઓનલાઇન ઠગાઇના રોજના સરેરાશ ૧૫ થી ૨૦ જેટલા કિસ્સા બની રહ્યા છે.જેમાં લોકોને જુદીજુદી રીતે ફસાવીને ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે.આ રકમ રૃ.૨-૩ હજાર થી માંડીને લાખો સુધીની હોય છે.વડોદરા સાયબર સેલે આ પ્રકારના કિસ્સાઓમાં બેન્કો સાથે સંપર્કમાં રહી ભોગ બનેલાઓને એક જ મહિનામાં રૃ.૧ કરોડનું રિફંડ અપાવ્યું છે.


Google NewsGoogle News