આજે દાંડી કૂચ દિવસ, PM નરેન્દ્ર મોદી 'સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ'નો પ્રારંભ કરાવશે
સાબરમતી આશ્રમનાં મકાનો બનાવવા રૂપિયા 2.95 લાખનો ખર્ચ થયો હતો
સાબરમતી આશ્રમ રૂપિયા 1200 કરોડમાં રિડેવલપમેન્ટ થવાનો છે
- રૂ. 1200 કરોડમાં રિડેવલપમેન્ટ થવાનો છે તે
- 1917માં સ્થાપના થઇ ત્યારે આશ્રમ 132 એકરમાં ફેલાયેલો હતો, જમીનની કિંમત અંદાજે રૂ. 26972 હતી
અમદાવાદ : અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ' નો પ્રારંભ કરાવશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.
જાણકારોના મતે 11 ડિસેમ્બર, 1916ને સોમવારના સાબરમતી આશ્રમની જમીનનો સૌથી પહેલો ટુકડો ખરીદવાના બાનાખત માટે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યો હતો. 31 મે, 1917ના દિવસે સાબરમતી આશ્રમ માટે જમીનનું બાનાખત થયું હતું અને 2 જૂને સાબરમતી આશ્રમ માટેની જમીન ખરીદવાનો પાકો દસ્તાવેજ થયો કે જે 13 જૂનના રોજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. 17 જૂન, 1917ને રવિવારના રોજ સાબરમતી આશ્રમની સ્થાપના થઇ અને તે સમયે મહાત્મા ગાંધી બિહારના મોતીહારી અને પટણામાં કાર્યરત હતા.
ઈતિહાસવિદ્ ડો. રિઝવાન કાદરીના મતે ' સાબરમતી આશ્રમમાં વાલીઓ તરીકે જમનાલાલ બજાજ, રેવાશંકર જગજીવન ઝવેરી, મહાદેવ હરિભાઇ દેસાઇ, ઈમામ સાહેબ અબ્દુલ કાદર બાવઝીર અને છગનલાલ ખુશાલચંદ ગાંધી તેના વાલીઓ હતા. સાબરમતી આશ્રમનો માસિક ખર્ચ સરેરાશ રૂપિયામાં ૩ હજાર હતો અને મિત્રવર્ગ તરફથી મળતો હતો. 10 જૂન 1928ના નવજીવનમાં આવેલા લેખ અનુસાર એ વખતે આશ્રમમાં ૫૫ પુરુષ, મહિલા, 35 કુમાર અને 43 ચરખાસંઘના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હતા. આ ઉપરાંત ૫ વણકર, 10 મજૂર, 30 ખેતી કામ કરતાં મજૂર, 36 બાળા, 7 ધાવણા એમ કુલ 277 લોકો હતા.
આશ્રમના કાર્યવાહક મંડળના ઠરાવો શું હતા
- આશ્રમમાં જવાબદારીનું કાર્ય કરનાર તથા આશ્રમમાં કાયમ અથવા થોડા વખત માટે આવી વસનાર સૌને માટે બ્રહ્મચર્યનું પાલન આવશ્યક રહેશે.
- આશ્રમમાં દાખલ થવા ઈચ્છનારે એક વર્ષ સુધી પોતાને સ્થાને રહીને આશ્રમના નિયમોનું પાલન કરેલું હોવું જોઇએ.
- આશ્રમમાં નવા રસોડા વધે એ ઈષ્ટ નથી તેથી આશ્રમમાં નવા દાખલ થનાર-કુટુંબી હોય કે એકાકી-તેમની જમવાની વ્યવસ્થા આશ્રમમાં ચાલતા સંયુક્ત રસોડામાં જ થશે.
આશ્રમવાસીઓની દિનચર્યા...
સવારે 4ના ઉઠવાનો ઘંટ, 4:15થી 4:45ના સવારની ઉપાસના, 5થી 6ના શૌચ-સ્નાન, 6:10 થી 6:30ના ઉપાહાર, 6:30થી 7ના સ્ત્રી વર્ગ, 7થી 10:30ના ઉદ્યોગ-શિક્ષણ-સફાઇ, સવારે 10:45થી 11:15ના ભોજન, 11:15થી 12ના આરામ, 12થી 4:30ના ઉદ્યોગ, સાંજે 4:30થી 5:30ના આરામ ઈત્યાદિ, સાંજે 5:30થી 6ના ભોજન, સાંજે 6થી 7ના વ્યાયામ ઈત્યાદિ, સાંજે 7થી 7:30ના ઉપાસના, 7:30થી 9ના સ્વાધ્યાય જ્યારે રાત્રે 9ના શયનનો સમય.