જમાલપુરમાં ગુજસીટોકના આરોપીની 16 ગેરકાયદેસર દુકાનો તોડી પડાઈ
- યુપીની માફક અમદાવાદમાં પણ 'બુલડોઝર' શરૂ થયું
- રસ્તા પર હંગામી ધોરણે થયેલા દબાણો સામે કાર્યવાહી
અમદાવાદ : મ્યુનિ.ના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશને આગળ વધારતા જમાલપુર, શાહપુર વોર્ડમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. જમાલપુરમાં ગુજસીટોકના આરોપીએ ગેરકાયદેસર રીતે બનાવેલી ૧૬ દુકાનો તોડી પાડવામાં આવી છે. યોગી સરકારની માફક અમદાવાદમાં પણ બુલડોઝર શરૂ થયું હોય તેવી ચર્ચા શરૂ થઈ છે.
જમાલપુર વોર્ડમાં મ્યુનિ. ક્વાટર્સ માટેના રિઝર્વ પ્લોટમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ૧૬ દુકાનો બનાવી દેવાઈ હતી. ગાયકવાડ હવેલી પોલીસના સ્ટાફ સાથે આ દુકાનો તોડી પડાઈ છે. જ્યારે શાહપુર વોર્ડમાં ભવન્સ કોલેજ પાછળ રિવરફ્રન્ટ વિસ્તારમાં મ્યુનિ.ના પ્લોટમાં બંધાઈ ગયેલા ઝુંપડા પણ દુર કરવામાં આવ્યા છે. સાથે સાથે તહેવારોને અનુલક્ષીને શહેરના ગીચ માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવી નાની-મોટી ૮૭ જેટલી પરચુરણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
દરમિયાનમાં ગાયકવાડ હવેલી પીઆઈ આર.એચ.સોલંકીના જણાવ્યા અનુસાર જમાલપુરમાં તોડેલી ૧૬ દુકાનો ગુજસીટોકના આરોપી હમઝાખાન બાલમખાન પઠાણ તથા બાલમખાન સુલતાનખાન પઠાણ દ્વારા બનાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પોલીસે કોટ વિસ્તારમાં જ ડ્રગ માફિયા મહિલાના પુત્રએ ગેરકાયદેસર બાંધેલું ત્રણ માળનું મકાન તોડી પાડયું હતું. આ પહેલા નરોડા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરના ગેરકાયદેસર મકાનો તોડી પડાયા હતા. અગાઉ જુહાપુરામાં પણ આવી કાર્યવાહી થઈ હતી.