- ખાનપુરમાં ભાજપ કાર્યાલયને તાળું મારવા પ્રયાસ કરાયો, ચાંદખેડા,શાહીબાગ,બોડકદેવમાં પેટ્રોલપંપો બંધ કરાવ્યા
અમદાવાદ,તા.10 સપ્ટેમ્બર 2018, સોમવાર
પેટ્રોલ-ડિઝલના ભાવો ભડકે બળી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ સહિતના સાથી પક્ષોએ આપેલા ભારત બંધના એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. પૂર્વમાં વિસ્તારમાં બજારો,શાળા,કોલેજો બંધ રહ્યાં હતા ત્યારે પશ્ચિમ વિસ્તારમાં તેની નહિવત અસર જોવા મળી હતી.
જોકે,બંધ દરમિયાન,શાહપુર,લાલ દરવાજા સહિત ૧૬ સ્થળોએ એએમટીએસ બસો પર પથ્થરમારો કરાયો હતો. જુહાપુરમાં મોંઘવારીના વિરોધમાં પૂતળુ સળગાવાયુ હતુ જયારે ખાનપુરમાં કોંગ્રેસી કાર્યકરોએ ભાજપના કાર્યાલયને તાળુ મારવાનો પ્રયાસ કર્યો હતો.
સવારથી કોંગ્રેસી કાર્યકરો રોડ પર ઉતરી પડયા હતાં. એનએસયુઆઇના કાર્યકરોએ એલડી કોલેજ બંધ કરાવી હતી.ચાંદખેડા,શાહપુર,મિરઝાપુર,રિલિફરોડ સહિત કેટલીય શાળા કોલેજોમાં કોંગ્રેસી કાર્યકરોએ બંધ કરાવી દીધી હતી.આચાર્યોએ પણ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. કેટલાંક સ્થળોએ તો કાર્યકરોએ જાતે જ બેલ મારીને શાળા બંધ કરાવી હતી.
રિલિફરોડ,લાલ દરવાજા સહિતના કોટ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો,બજારો બંધ કરાવ્યા હતા જેથી પોલીસે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. બપોરે સાડા બાર વાગે કોંગ્રેસી કાર્યકરોનું ટોળુ અચાનક જ ખાનપુરમાં ભાજપના કાર્યલયને તાળુ મારવા ધસી આવ્યુ હતુ ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. આખરે પોલીસે યુવા નેતા રાજેશ બ્રહ્મભટ્ટ સહિત જણાંની પોલીસે અટકાયત કરી હતી.
આ તરફ, શાહપુરમાં હલીમની ખડકી પાસે એએમટીએસ બસને નિશાન બનાવી પથ્થરમારો કરાયો હતો. દાણિલિમડામાં ય કાર્યકરોએ બીઆરટીએસ સહિતના વાહનો રોકી ટ્રાફિક ચક્કાજામ કરાયો હતો. કાર્યકરોએ મોદી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. અહીં પણ ૧૫થી વધુની પોલીસે અટકાયત કરી હતી. કોંગી કાર્યકરોએ શહેરમાં રિલિફરોડ સહિત સાતેક સ્થળોએ બસોમાંથી હવા કાઢી નાંખી હતી જેના કારણે મુસાફરો અધવચ્ચે રખડી પડયા હતાં.
મુસાફરોએ રિક્ષાના સહારે જે તે સ્થળે પહોંચવુ પડયુ હતું. થલતેજમાં ય બાગબાન પાર્ટી પ્લોટ પાસે કાર્યકરોએ સ્કૂલબસોને પરત કરી હતી જેથી બાળકો સ્કૂલે પહોંચી શક્યા ન હતાં. અહીં ટાયરો પણ સળગાવાયા હતાં. જસોદાનગર ચોકડી પાસે ય કોંગી કાર્યકરોએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનુ પૂતળુ સળગાવી મોદી સરકારના વિરોધમાં જોરદાર નારેબાજી કરી હતી. પોલીસે ૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
જુહાપુરામાં પોલીસના બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારીનુ પૂતળાદહન કર્યુ હતું.પૂતળાદહન ન થાય તે માટે પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. પોલીસે ૫ જણાંની અટકાયત કરી હતી. કાર્યકરોએ બોડકદેવમાં પકવાન ચાર રસ્તા પાસે,ચાંદખેડા,વિસત અને શાહીબાગમાં પેટ્રોલપંપો ય બંધ કરાવ્યા હતાં. શહેરના ઘણાં વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરોએ દુકાનદારોને ગુલાબના ફુલ આપીને બંધમાં જોડાવવા અપીલ કરી હતી.
વાડજ વિસ્તારમાં ય દુકાનો બંધ રહી હતી.કાલુપુર ફ્રુટ માર્ક્ટે અને કાપડ બજાર ય બંધ રહ્યુ હતું. બાપુનગરમાં બજારો બંધ રહ્યા હતાં. દુકાનો બંધ કરાવતાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલ,શૈલેષ પરમાર સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત કોટ વિસ્તારમાં ય બંધની અસર જોવા મળી હતી. કાર્યકરો સાથે દુકાનો બંધ રાખવાની અપીલ કરતાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ય અટકાયત કરાઇ હતી. આમ,કુલ મળીને ૨૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ઓઢવમાં દુકાનો બંધ કરાવવાના મામલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. કૃષ્ણનગરમાં ટ્રાફિક જામ કરતાં પોલીસે ૨૦ કાર્યકરોની અટકાયત કરી હતી. કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની તકેદારીના ભાગરુપે સમગ્ર શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


