નળકાંઠાના 15 ગામોને પાંચ દિવસથી તંત્રના પાપે પીવાના પાણી માટે વલખાં
- ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે નળકાંઠા વિસ્તારની કડવી વાસ્તવિક્તા
- છેવાડાના શાહપુર, કાયલા, વેકરીયા, કરણગઢ સહિતના ગામોમાં પૂરતુ પાણી ન આવતા ગ્રામજનો જર્જરીત હોજમાંથી સેવાળ, લીલવાળું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા
અમદાવાદ, તા. 11 ઓકટોબર, 2020, રવિવાર
વિરમગામના હાંસલપુર હેડવર્કસથી શાહપુર જતી પાઈપ લાઈનમાં પુરવઠા તંત્રની ઘોર બેદરકારીતી વારંવાર ભંગાણ સર્જાતા કાંઠાના ૧૫થી વધુ ગામોના લોકોને વલખાં મારવા પડે છે. એટલું જ નહીં પૂરતું પાણી ન આવતા ગ્રામજનોને જર્જરીત હોજમાંથી લીલ-સેવાળવાળું પાણી પીવાની નોબત આવી છે. એક બાજુ સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતની મોટી મોટી ડંફાસો મરાય છે જ્યારે બીજી બાજુ લોકોને ભરચોમાસે પીવાના પાણી માટે ટળવળવાનો વારો આવ્યો છે. વિરમગામ પાણી પુરવઠા બોર્ડના સુજલામ સુફલામ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત વિરમગામના હાંસલપુર હેડવર્કસથી શાહપુર જતી પીવાના પાણીની લાઈનમાં છેલ્લા એક મહિનામાં વિવિધ જગ્યાઓએ ભંગાણ સર્જાતા પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી હતી ત્યારે આ પાણી વિરમગામ તાલુકાના કાંઠા વિસ્તારના શાહપુર ગામમાં આવેલા પીવાના પાણીના ટાંકી સુધી ન પહોંચતા અને વિસ્તારમાં આજુબાજુના ગામ લોકોને પીવાના પાણી ભરવા જવું પડે છે.
છેલ્લા પાંચ દિવસથી પાણી નહીં મળતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે શાહપુર ગામ પાસે આવેલા પાણીની ટાંકી બાજુમાં પાણીનો હોજ પણ જર્જરિત હાલતમાં છે જેને લઇને શાહપુર ગામની આજુબાજુ કાયલા, વેકરીયા, કરણગઢ, અસલગામ, ઝેઝરા, કુમારખાણ, મણિયારી ઝાપ સહિતના ગામોમાં અપુરતું પાણી આવવાથી વિરમગામ પાણી પુરવઠાની બેદરકારી સામે આવી છે.
અનેક જગ્યાઓએ ભંગાણ સર્જાવાના કારણે તાત્કાલિક કાર્યવાહી ન થતા જેની તકલીફ ગ્રામ લોકોને પડી રહી છે. હાલ તો શાહપુર ગામ પાસે આવેલા પાણીના હોજમાંથી દૂષિત પાણી હોવાની ફરિયાદો મળી છે જેથી ગામલોકો આ પાણી પીવા મજબૂર છે.
છેલ્લા ઘણા સમયથી વિરમગામ પાણી પુરવઠાની બેદરકારીને લીધે શાહપુર આજુબાજુના ગામોમાં પીવાના પાણીની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
અતિ પછાત ગણાતા નળકાંઠા વિસ્તારને સંખ્યાબંધ ગામોમાં પાણીથી વંચિત રહેવાનો સમય આવ્યો પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણી પહોંચતું જ નથી. વધુમાં આ ગામો દૂષિત પાણી સિવાય ચોખ્ખો શુધ્ધ પાણી મળતું જ નથી. શાહપુર ગામ પાસે આવેલા સંપમાં કાદવ કિચડ અને લીલ જામી ગઈ છે. આ સંપમાં પોપડા પડયાનું જોવા મળે છે. નળકાંઠાના લોકો છતે પાણીએ પાંચ-છ દિવસથી પાણી ન મળતા પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. તંત્ર દ્વારા લોકોને નિયમિત પાણી મળે તે માટે શાહપુરના સરપંચ રમણભાઈ પધારે ઉચ્ચત્તર સત્તાધીશોને રજૂઆત કરી છે. નળકાંઠાના ગામોને પૂરું પાડતો સંપના લીધે રોગચળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે.