12 ગુજરાતી આગેવાનોએ રાજ્યપાલ પદ નિભાવ્યું છે
દેશના છ રાજભવનોમાં રહી
કનૈયાલાલ મુનશી, જયસુખલાલ હાથી, કૃષ્ણકુમારસિંહજી, સર ચંદુલાલ ત્રિવેદી, કુમુદબેન જોષી, કે.કે.શાહ વગેરેએ ફરજો બજાવી
અમદાવાદ : ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી અને આદિવાસી આગેવાન મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ (ગર્વનર) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા રાજનેતાને આવા હોદ્દા પર નીમવામાં આવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. દરમિયાન, મૂળ ગુજરાતી હોય કે કૂળ ગુજરાતી તેવા રાજકારણીઓ-અગ્રણીઓને ગવર્નર તરીકે નિમાયાની સંભવત: તેરમી ઘટના છે.
'ગુજરાતની અસ્મિતા' જેવો શબ્દ આપનારા જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ 1952 થી 1957 દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવેલી. કોંગ્રેસમાં અખિલ ભારતીય સ્તરે જેમની નોંધ લેવાતી તેવા જયસુખલાલ હાથી પંજાબના ગવર્નર બનેલા.
આંધ્રપ્રદેશમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવનારા ગુજરાતી મહાનુભાવોમાં ચંદુલાલ એમ. ત્રિવેદી, ખંડુભાઈ દેસાઈ, કુમુદબહેન જોષીનાં નામ અંકિત થયેલા છે. ચંદુલાલ ત્રિવેદી આંધ્રમાં 1953 થી 1957 દરમિયાન ગવર્નર હતા.
એવી જ રીતે દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય તામિલનાડુના (અગાઉ મદ્રાસ) ગવર્નર તરીકે ભાવનગરના લોકપ્રિય રાજવી સ્વ. કૃષ્ણકુમારસિંહે 1948 થી 1952 દરમિયાન ફરજ બજાવી હતી અને ત્યાંના લોકોમાં પણ જાણીતા બન્યા હતા. તે પછી કે. કે. શાહે પણ તામિલનાડુના ગવર્નરપદે સેવા આપેલી.
1977માં દેશમાં પહેલી જનતા સરકાર સ્થપાઈ ત્યારે પ્રભુદાસ પટવારીની પણ તામિલનાડુના ગવર્નરપદે નિમણૂક થઈ હતી. સ્વ. પટવારી, કટોકટીકાળમાં જે ચર્ચાસ્પદ ડાયનેમાઇટ કેસ થયેલો તેમાં તેમનું નામ જ્યોર્જ ફર્નાન્ડીઝ અને અન્ય સાથે જોડાયેલું રહ્યું હતું. તેઓ મૂળ કોંગ્રેસી અને મોરારજી દેસાઇ જોડે વિશિષ્ટ રીતે સંકળાયેલા હતા.
દક્ષિણ ભારતના બીજા એક મહત્ત્વના રાજ્ય કર્ણાટકમાં રાજ્યપાલપદે આઠેક વર્ષ અગાઉ વજુભાઈ વાળાની નિમણૂક થઈ હતી. હવે તેઓ નિવૃત્ત થઇ ગયા છે. વજુભાઈ ગુજરાત સરકારમાં વર્ષો સુધી વરિષ્ઠ નાણાં મંત્રી તરીકે રહ્યા હતા. નરેન્દ્ર મોદી 2001માં મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા. બંધારણીય આવશ્યકતા પૂરી કરવા છ મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવું જરૂરી હતું.
તેવે વખતે વજુભાઈએ એમની રાજકોટની બેઠક ખાલી કરી આપી હતી. અને મોદી પેટા ચૂંટણી લડયા હતા. મોદી જ્યારે 2014માં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નિશ્ચિત થયા ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વજુભાઈ પ્રબળ દાવેદાર હતા. જો કે મુખ્યપ્રધાનપદ માટે આનંદીબહેન પર કળશ ઢોળવાની વાત થઈ એવા સંજોગોમાં વજુભાઈને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા.
ગુજરાતમાં પટેલ અનામત આંદોલન છેડાયું, આનંદીબહેનને જવું પડયું તે પછી એમને મધ્ય પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યાં હતાં. હાલ તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. દૂર પૂર્વના, મહત્ત્વના રાજ્ય પશ્ચિમ બંગાળમાં 1999 થી 2004ના સમયગાળામાં રાજ્યપાલ તરીકે સેવા આપનારા સ્વ. વિરેન શાહ પણ ગુજરાતી માણુસ હતા.
જનતાપક્ષ અને પછી ભાજપ જોડે એ સંકળાયેલા રહ્યા હતા. આમ તો ગુજરાતીકૂળના કહેવાય તેવા ગાંધીજીના પૌત્ર અને ચક્રવર્તી રાજગોપાલાચારીના દોહિત્ર એવા ગોપાલકૃષ્ણ ગાંધી પણ આ જ પશ્ચિમ બંગાળમાં 2004 થી 2009 દરમિયાન રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂકેલા આગેવાન હતા.આવી ગુજરાતી મૂળના ગવર્નરોની યાદીમાં હવે મંગુભાઈ પટેલનું નામ ઉમેરાઈ રહ્યું છે.
રાજ્યપાલ પદે ગુજરાતીઓ
૧. |
કનૈયાલાલ મુનશી |
ઉત્તર પ્રદેશ |
૨. |
જયસુખલાલ હાથી |
પંજાબ |
૩. |
સર ચંદુલાલ
ત્રિવેદી |
આંધ્ર |
૪. |
ખંડુભાઈ દેસાઈ |
આંધ્ર |
૫. |
કુમુદબહેન જોષી |
આંધ્ર |
૬. |
કૃષ્ણકુમારસિંહજી |
તામિલનાડુ |
૭. |
કે.કે. શાહ |
તામિલનાડુ |
૮. |
પ્રભુદાસ પટવારી |
તામિલનાડુ |
૯. |
વજુભાઈ વાળા |
કર્ણાટક |
૧૦. |
આનંદીબહેન પટેલ |
મધ્યપ્રદેશ, ઉત્તર
પ્રદેશ |
૧૧. |
વિરેન શાહ |
પ.બંગાળ |
૧૨. |
ગોપાલકૃષ્ણ ગાંધી |
પ.બંગાળ |
૧૩. |
મંગુભાઈ પટેલ |
મ.પ્રદેશ |