બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ૧૦ના મોતઃ પાંચ ગંભીર
મીની ટ્રક બંધ ટ્રકમાં ઘુસી જતા ગોઝારી ઘટના બની
મૃતકોમાં છ મહિલાઓ અને ત્રણ બાળકો ઃ મોટાભાગના કપડવંજ સુણદા ગામના વતનીઃ ચોટીલાથી દર્શન કરીને પરત આવતા સમય ઘટી દુર્ઘટના
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદના બગોદરા-બાવળા હાઇવે પર શુક્રવારે બપોરના સમયે મીની ટ્રક રસ્તા પર પાર્ક કરેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મીની ટ્રકમાં સવાર લોકો ચોટીલાથી દર્શન કરીને કપડવંજના સુણદા ગામ ખાતે જઇ રહ્યા હતા. મૃતકોમાંછ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા બગોદરા, બાવળા અને ચાંગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે કપંડવંજના સુણદા અને બાલાસિનોરમાં રહેતા ૨૩ જેટલા લોકો મીની ટ્રકમાં ગુરૂવારે સાંજે ચોટીલા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. જેમાં અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. સવારે સાડા નવ વાગ્યના સુમારે ચોટીલાથી પરત જવા નીકળ્યા હતા. ત્યારે બપોરના બાર વાગ્યાના સુમાર બગોદરા-બાવળા હાઇવે પર પરથી જતા હતા ત્યારે સૌ કોઇ આરામથી મીની ટ્કમાં બેઠા હતા. જો કે રસ્તામાં અચાનક એક પાર્ક કરેલી ટ્રક ડ્રાઇવરને નજરે પડી હતી પણ તે કઇ સમજે પહેલા મોડુ થઇ ચુક્યું હતું અન મીની ટ્રક ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ડ્રાઇવર સાથે બેઠેલા લોકો રીતસરના દબાઇ ગયા હતા. જ્યારે તેમાં બેઠેલા લોકો તીવ્ર આંચકો લાગતા એકબીજા પર પછડાયા હતા. જેના કારણે માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કેટલાંક ઉછળીને નીચે પટકાયા હતા. આ અકસ્માત બાદ આસપાસના વાહનચાલકોએ અને અન્ય સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને મીની ટ્કમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જો કે ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા અન્ય ત્રણ લોકો ફસાઇ ગયા હતા. જેમને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફેદરા, ધંધુકા, બાવળા, બગોદરા, બરવાળાની છ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને ૨૦ જેટલા લોકોને બગોદરા આરોગ્ય કેન્દ્ર સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અન્ય સાત વ્યક્તિનઓના મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર ઇજાઓ થતા ત્રણ લોકોને અસારવા સિવિલ હોસ્પિટલ અને છ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં મીની ટ્રક ચાલક પ્રવિણભાઇ ઝાલા સહિત ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં છ મહિલા અને ત્રણ બાળકોનોે સમાવેશ થાય છે આ અંગે અમદાવાદ બગોદરા પોલીસે ગુનો નોઁધવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટના મીની ટ્રક ડ્રાઇવરની બેદકારીને કારણે બની હતી. જ્યારે પંચર પડતા ટ્રક્ રસ્તા પર પાર્ક હતી.આ અંગે જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ જણાવ્યું હતું કે પોલીસે સ્થાનિક તંત્રની સાથે મળીને પહેલા ઇજાગ્રસ્તોેને સમયસર સારવાર મળે તે માટે કામગીરી હાથ ધરી છે. બાદમાં ઇજાગ્રસ્તોના નિવેદનને આધારે કામગીરી કરવામાં આવશે.
રાજકોટ-અમદાવાદમાં હાઇવે પર બ્રીજ અને રીપેરીંગના કામના કારણે
અકસ્માતો વધ્યાઃ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ,
શુક્રવાર
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે
બગોદરા પાસેના અક્સમાતની ઘટનામાં અંગે સંવેદના વ્યક્ત કરી છે. સાથેસાથે તેમણે જણાવ્યું
છે કે અમદાવાદ રાજકોટ હાઇવે પર ઓવરબ્રીજ અને
રસ્તા રીપેરીંગના કામ ઘણા વર્ષોથી મંથરગતિએ ચાલે છે. જેના કારણે આ હાઇવે જોખમી બન્યો
છે અને અવારનવાર ગંભીર અકસ્માત સર્જાતા રહે છે.
તેંમ છંતાય, બેદરકારી
અંગે કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ વિરૂદ્વ
કાર્યવાહી થતી નથી અને લોકાને જીવ ગુમાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
મૃતકોના નામ
૧. રઇબેન ઝાલા રહે. સુણદા,કપડવંજ
૨. ગીતાબેન ઝાલા રહે.સુણદા,કપડવંજ
૩. પ્રહલાદ મહેન્દ્રભાઇ
ઝાલા રહે.સુણદા,કપડવંજ
૪. વિશાલ હિંમતભાઇ
ઝાલા રહે.સુણદા,કપડવંજ
૫. વૃષ્ટી હિંંમતભાઇ ઝાલા રહે.સુણદા,કપડવંજ
૬. કાંતાબેન ઝાલા રહે.સુણદા,કપડવંજ
૭. શાંતાબેન અભેસિંહ
સોંલકી રહે.ભાંથલા,તા. બાલાસિનોર
૮. જાનકી સોંલકી રહે.ભાંથલા, બાલાસિનોર
૯. અભેસિંહ સોંલકી રહે.ભાંથલા, બાલાસિનોર
૧૦. લીલાબેન પરમાર રહે.મહાદેવપુરા,કઠલાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકના પરિજનને
બે લાખની સહાયની જાહેરાત કરી
અમદાવાદ,
શુક્રવાર
બગોદરા -બાવળા હાઇવે પર બનેલીનો ગોઝારી ઘટના અંગે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.સાથેસાથે
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનો બે-બે લાખ રૂપિયાના આર્થિક
વળતરની અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ
સમગ્ર ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પોલીસે બંને વાહનોના ચાલકો વિરૂદ્વ ગુનો નોંધી કાર્યવાહી કરી
અમદાવાદ,
શુક્રવાર
બગોદરા પોલીસે સમગ્ર ઘટનામાં બંને વાહનચાલકો વિરૂદ્વ ગુનો નોંધીને
કાર્યવાહી કરી છે. જેમાં મીની ટ્રકના ચાલકે માલવાહક ગાડીમાં પેસેન્જર બેસાડીને ગુનો
કરવા બાબત તેમજ ટ્રક ચાલકે રીફલેક્ટર કે કોઇ આડાસ નહી મુકીને બેદરકારી દાખવી હોવાનો
ઉલ્લેખ કરાયા છે. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિપુલભાઇના પિતા જવાનસિંહની
તબિયત ના દુરસ્ત રહેતી હોવાને કારણે ચોટીલા
ચામુંડા માતાની માનતા રાખી હતી. તેમને સારૂ થઇ જતા તે માનતા પુરી કરવા માટે પ્રવિણભાઇની
મીની ટ્રક લઇને પરિવાર અને કુટુંબની સભ્યો
સાથે ચોટીલા ગયા હતા.