Get The App

આજવારોડના બંગલામાં પરિવારને બંધક બનાવી 11.75 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, પાંચ લુંટારા ઝડપાયા

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
આજવારોડના બંગલામાં પરિવારને બંધક બનાવી 11.75 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, પાંચ લુંટારા ઝડપાયા 1 - image


વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા બંગલામાં ફેક્ટરી માલિક અને તેના પરિવારને બંધક બનાવી રૂ 11.75 લાખની લૂંટ નો ભેદ ઉકેલવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત પાંચ જણાને ઝડપી પાડી ચાર લુટારાઓની શોધખોળ જારી રાખી છે. પોલીસે લૂંટારાઓ દ્વારા ઉપયોગમાં લીધેલી રીક્ષા પણ કબજે કરી છે. પકડાયેલા લૂંટારા અને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ચોર ટોળકી ત્રાટકતી હોવાની વાતો વચ્ચે બંગલામાં સનસનાટી ભરી લૂંટ થઈ હતી 

આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા અને સરદાર એસ્ટેટમાં ફેક્ટરી ધરાવતા અશોકકુમાર સિંઘલ ગઈ તા 19મી ઓક્ટોબરે રાત્રે પરિવારજનો સાથે સૂતા હતા ત્યારે લુટારા ત્રાટક્યા હતા. લુટારા હોય ફરિયાદી તેમજ તેના પુત્રને પુત્ર વધુને બંધક બનાવી પહેરેલા દાગીના સહિત કુલ 11.75 લાખની લૂંટ ચલાવી હતી. તેઓને એક રૂમમાં બંધ કરીને ટોળકી ફરાર થઈ ગઈ હતી. લૂંટારાઓએ મોઢે કાળા કપડા બાંધ્યા હતા અને કાળા ચશ્મા પહેર્યા હતા.  

લૂંટના પડકારરૂપ બનાવનો ભેદ ઉકેલવા વડોદરા પોલીસની 9 ટીમો કામે લાગી હતી

ચોર ટોળકી ત્રાટકતી હોવાની અફવાઓ ને ધ્યાનમાં નહીં લેવા માટે પોલીસ દ્વારા માહોલના મીટીંગો કરીને અપીલ કરવામાં આવતી હતી એ દરમિયાન લુંટારૂ ટોળકી દ્વારા સનસનાટી ભરી લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ બનતા વડોદરા પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત નવ ટીમોને કામે લગાડી હતી. પોલીસ દ્વારા વડોદરાના તમામ સીસીટીવી કેમેરા તેમજ મોબાઇલ સર્વેન્સની તપાસ કરવામાં આવી હતી.      

લૂંટારૂઓએ ચોરી કરેલી વાન સાથેની રીક્ષાના ફુટેજ પરથી ભેદ ખુલ્યો       

પોલીસની તપાસ દરમિયાન લુટારો ટોળકી દ્વારા કાર વિભાગ વિસ્તારમાંથી ચોરવામાં આવેલી વાન સયાજીપુરા એપીએમસી પાસેથી બિલવાસી હાલતમાં મળી આવી હતી. પોલીસે વાન ચોરી તે વખતના સીસીટીવી ફૂટેજ તપાસતા એક રીક્ષા શંકાસ્પદ નજરે પડી હતી. જે રીક્ષા ની તપાસ કરતા ખોડીયાર નગર ના રાહુલ રીક્ષા સાથે આવ્યો હોવાની વિગતો ખુલી હતી. પોલીસ માટે આ ફૂટેજ ખૂબ જ મહત્વના સાબિત થયા હતા.       

રાહુલ અને સૂત્રધાર અજય મારવાડી રીક્ષા પલટાવી ભાગવા જતા પકડાઈ ગયા         

પોલીસની ટીમ ન્યુ વીઆઈપી રોડ ખોડીયાર નગર ખાતે રીક્ષા ચાલક રાહુલ પરમાર (એકતા નગર,આજવા રોડ)ની તપાસમાં હતી તે દરમિયાન પોલીસને જોઈ રાહુલ રીક્ષા પલટાવીને ભાગવા જતા ઝડપાઈ ગયો હતો. રીક્ષા ની અંદરથી ટોળકીનો મુખ્ય સૂત્રધાર અજય રમેશભાઈ મારવાડી (એકતા નગર,આજવા રોડ) પણ ઝડપાઈ ગયો હતો. પોલીસે રિક્ષા તપાસતા અંદરથી ચાંદીના દાગીના અને ચોરી કરવા માટેના સાધનો મળી આવ્યા હતા. જેથી પૂછપરછ દરમિયાન બંને લૂંટારા ભાંગી પડ્યા હતા અને લૂંટની કબુલાત કરી હતી.     

લૂંટનો અંજામ આપવા સીકલીગર ગેંગની મદદ લીધી, નોકરી છોડનાર કર્મચારીએ શેઠની ટીપ આપી 

પોલીસની તપાસ દરમિયાન સૂત્રધાર અજય મારવાડી પાસે થી સનસનાટી ભરી વિગતો ખુલી હતી. જેમાં લૂંટફાટ અને  બળાત્કાર જેવા ગુનાઓ આચરનાર અજય મારવાડી છેલ્લા કેટલાક સમયથી ચોરી કે લૂંટ માટે મોટો હાથ મારવાની ફિરાકમાં હોવાથી કિશનવાડી ના ભુપેન્દ્ર પરમારે તેની નજીકમાં રહેતા આકાશ કહાર મારફતે હિતેશ તડવીને અને હિતેશ તડવીએ ટોળકીના મુખ્ય સૂત્રધાર અજય મારવાડી ને આજવા રોડના બંગલાની ટીપ આપી હતી. અજય મારવાડીએ લૂંટનો અંજામ આપવા માટે જશપાલસિંગ, મલીંદર સિંગ, અજય સિંગ અને આઝાદ સિંગની મદદ લઈ લૂંટ ચલાવી હતી. ભુપેન્દ્ર પરમાર અગાઉ શેઠ અશોકભાઈ ને ત્યાં નોકરી કરતો હતો અને બોનસ ના મુદ્દે બોલા ચાલી થતા નોકરી છોડી હતી. તેણે જ શેઠની ટિપ આપી હતી.       

લૂંટારોએ સાવલી નજીક ભાગ પાડ્યા, ટીપ આપનારના કઈ હાથમાં ફૂટી કોડી ન આવી       

લૂંટારો ટોળકી એ લૂંટ ચલાવ્યા બાદ સયાજીપુરા એપીએમસી પાસે વાન છોડી દીધી હતી અને ત્યાંથી રાહુલની રિક્ષામાં સાવલી જઈ ભાગ પાડી લીધા હતા. રીક્ષા ચાલક રાહુલને લૂંટના હિસ્સામાંથી 7000 રૂપિયા અને ચાંદીના દાગીના મળ્યા હતા. જ્યારે લૂંટની ટીપ આપનાર ભુપેન્દ્ર, હિતેશ કે આકાશના હાથમાં ફૂટી કોડી આવી ન હતી. પોલીસે લૂંટારાઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News