Get The App

આજથી ગુજરાતમાં તમામ બોર્ડની ધો.૧થી૫ની સ્કૂલો શરૂ

સ્કૂલ સંચાલકોને સરકારના નિર્ણયને આવકાર્યો ઃ પણ વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા હજુ મુંઝવણમાં

કમિટીની ભલામણો કે વાલીઓ સાથે ચર્ચા વગર સરકારનો ઉતાવળીયો નિર્ણય?

Updated: Nov 22nd, 2021


Google News
Google News
આજથી ગુજરાતમાં તમામ બોર્ડની ધો.૧થી૫ની સ્કૂલો શરૂ 1 - image

અમદાવાદ

ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરવાની છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ અને આયોજન વચ્ચે સરકાર દ્વારા એકાએક આવતીકાલે ૨૨મી નવેમ્બરથી રાજ્યમાં ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે.સરકારના ઠરાવ મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત,સીબીએસસઈ, આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની સ્કૂલોમાં ધો.૧થી૫ના વર્ગો શરૃ કરી શકાશે.સરકારના આ નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે પરંતુ વાલીઓ કોરોનાના ભય અને વેક્સિન બાકી હોવાને લીધે બાળકોને હજુ સ્કૂલે મોકલવામા દ્રિધામાં છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસર્યા બાદ અને કોરોનાના કેસોમાં ઘટાડા સાથે સ્થિતિ કાબુમાં આવ્યા બાદ સરકાર દ્વારા તબક્કાવાર ધો.૬થી૧૨ની સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી દેવાઈ હતી.પરંતુ ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરવાની સરકારે મંજૂરી આપી ન હતી અને છેલ્લા ઘણા સમયથી ધો.૧થી૫ના વર્ગો ઓફલાઈન શરૃ કરવા માટે ચર્ચા ચાલી રહી હતી.જ્યાં એક બાજુ વાલીઓ ધો.૧થી૫ માટે તૈયાર ન હતા ત્યારે બીજી બાજુ સ્કૂલ સંચાલકો ફી સહિતના મુદ્દે ધો.૧થી૫ના વર્ગો શરૃ કરવા માટે અનેકવાર સરકારને રજૂઆત કરી ચુક્યા છે.સરકાર દ્વારા દિવાળી બાદ ૧થી૫ના વર્ગો શરૃ કરવાનું આયોજન હતુ અને ૧લી ડિસેમ્બરથી સરકાર મંજૂરી આપે તેવી પુરી શક્યતા હતી.પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસમાં થોડો વધારો જોવા મળતા ડિસેમ્બરમાં પણ સ્કૂલો શરૃ થશે કે કેમ તે પ્રશ્ન હતો.

સરકારે ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરવા માટે તજજ્ઞાોની કમિટી રચવાની અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેમજ કોરોનાની પરિસ્થિતિનું આકલન કર્યા બાદ સ્કૂલો શરૃ કરવાની જાહેરાત કરી હતી.પરંતુ આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એકાએક ધો.૧થી૫ના વર્ગો શરૃ કરી દેવાની ઓચિંતી જાહેરાત કરી દેવાઈ છે.વાલીઓમાં ફરિયાદ ઉઠી છે કે સરકારે આટલો મોટો ગંભીર નિર્ણય લેવા માટે તજજ્ઞાોની કોઈ કમિટી પણ રચી નથી કે તજજ્ઞાો સાથે કે વાલી મંડળ સાથે કોઈ ચર્ચા પણ કરી નથી.સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અને તજજ્ઞાો સાથે ચર્ચા કરવાની માત્ર વાતો કરાઈ હતી.સરકારના આ ઓચિંતા અને વહેલા નિર્ણયથી ખાનગી સ્કૂલ સંચાલકો ખુશ છે અને તેઓએ આ નિર્ણયને આવકાર્યો છે.પરંતુ ઘણી સ્કૂલોએ એવી પણ ફરિયાદ કરી છે કે સરકારે ધો.૧થી૫ના વર્ગો શરૃ કરવાની મંજૂરી આપતા પહેલા સંચાલકોને થોડો સમય આપવો જોઈતો હતો. ડિસેમ્બર પહેલા જ સ્કૂલો શરૃ કરવાનો આટલો ઉતાવળો નિર્ણય કેમ લેવાયો તેને લઈને હાલ અનેક પ્રશ્નો ઉઠયા છે

Tags :
primary-schools-reopen

Google News
Google News