બાળકને સૂતી વખતે કઈ ઉંમરથી ઓશીકું આપવાનું શરૂ કરવુ જોઈએ, કેવી રીતે સમજાશે સાચા સમયનો ઈશારો
Image Source: Freepik
અમદાવાદ, તા. 28 ઓક્ટોબર 2023 શનિવાર
બાળકનો ઉછેર કરવો કોઈ સરળ વાત નથી. બાળકની દરેક નાની-મોટી વસ્તુઓ પર ઝીણવટપૂર્વક નજર રાખવી પડે છે. બાળકને પહેલી વખત ક્યારે સિપ્પી કપ આપવાનો છે, તેને કયા પ્રકારના રમકડા ક્યારે આપવાના છે વગેરે, આ પ્રકારની નાની-નાની વાતોનો ખ્યાલ રાખવો પડે છે. ઠીક આ જ રીતે બાળકે પહેલી વખત ઓશીકાનો ઉપયોગ કઈ ઉંમરે કરવો જોઈએ, તેને લઈને પણ અમુક નિયમ છે.
શું બાળકને ઓશીકું આપવુ જરૂરી છે
ઘણા માતા-પિતા વિચારે છે કે શું હકીકતમાં બાળક માટે ઓશીકું જરૂરી છે કે પછી તે ઓશીકા વિના પણ રહી શકે છે. ઓશીકું કન્ફર્ટ સિવાય ઊંઘની ગુણવત્તા અને સંપૂર્ણ સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
બાળકને કઈ ઉંમરથી ઓશીકું આપવુ
દરેક બાળક અલગ હોય છે તેથી દરેક બાળકની જરૂરિયાત પણ એકબીજાથી અલગ હોય છે. જોકે, એક જનરલ ગાઈડલાઈન હેઠળ મોટાભાગના એક્સપર્ટ્સ માને છે કે બાળક બેથી ત્રણ વર્ષનું થાય તો તેને ઓશીકું આપી દેવુ જોઈએ. આ ઉંમર સુધીના બાળકોના ખભા અને ગરદન ઓશીકાના સુરક્ષિત ઉપયોગ માટે પૂરતા પ્રમાણે વિકસિત થઈ ચૂક્યા હોય છે અને બાળકોને ઓશીકાથી કોઈ અસહજતા અનુભવાતી નથી.
બાળકને ઓશીકાની જરૂર છે તે કેવી રીતે સમજાશે
જો તમારુ બાળક આખી રાત પડખા ફેરવતુ રહે તો શક્ય છે કે તેને સૂવા માટે આરામદાયક પોઝીશન મળી રહી નથી. ઓશીકું તેને સારી ઊંઘ અપાવવામાં મદદ કરી શકે છે. જો તમારુ બાળક સૂતી વખતે પોતાનુ માથુ એક તરફ ઝુકાવી દે છે, તો આ એક સંકેત હોઈ શકે છે કે તે પોતાની ગરદન માટે એક આરામદાયક ખૂણો શોધવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. ઓશીકું બાળકને સારો સપોર્ટ આપી શકે છે. જો તમારુ બાળક જાગીને બેચેની કે ગરદનમાં દુખાવાની ફરિયાદ કરે તો તેને ઓશીકું આપવા અંગે વિચાર કરવાનો સમય આવી ગયો છે.
ટોડલર બાળકો માટે ઓશીકાના ફાયદા
ઓશીકું તમારા બાળકનુ માથુ અને ગરદનને કુશન સપોર્ટ આપે છે. જેનાથી વધુ આરામદાયક ઊંઘ મળે છે અને ઓશીકાનો ઉપયોગ તમારા બાળકની કરોડરજ્જુને કુદરતી રીતે યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે. જેનાથી બાળક સવારે ફ્રેશ થઈને ઉઠે છે. જ્યારે બાળક પૂરતા આરામ સાથે સૂઈ જાય છે તો તે ગાઢ અને વધુ આરામદાયક ઊંઘનો આનંદ લઈ શકે છે.
એક મુલાયમ ઓશીકું સુરક્ષા અને આરામની ભાવના આપી શકે છે, જેનાથી સૂવાનો અનુભવ વધુ આરામદાયક થઈ જાય છે. જો તમારુ બાળક ઘોડિયામાંથી પલંગ પર સૂવા લાગ્યુ છે તો ઓશીકાથી આ પરિવર્તન તેના માટે થોડુ સરળ થઈ જાય છે.