Get The App

જૂનાગઢમાં નિયમોની ધજિયા ઉડાવી ભાજપના કાર્યાલયનું નિર્માણ, ખુદ પૂર્વ મંત્રીએ જ પોલ ખોલી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
જૂનાગઢમાં નિયમોની ધજિયા ઉડાવી ભાજપના કાર્યાલયનું નિર્માણ, ખુદ પૂર્વ મંત્રીએ જ પોલ ખોલી 1 - image



Junagarh BJP Office News | લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના જમીનના કડક કાયદાઓ લાવનાર સત્તાધારી ભાજપનાં જ કાર્યાલયની જમીનનો જ વિવાદ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લા ભાજપનાં કાર્યાલયની જમીનનો વિવાદ ખુદ ભાજપના જ નેતા અને પૂર્વ મંત્રીએ ખુલ્લો પાડયો છે, આ કાર્યાલયના બાંધકામ સમયે નિયમોની ધજિયા ઉડાવવામાં આવી હોવાનાં આક્ષેપ છે. માર્જીનની જમીન પણ મૂકવામાં આવી નથી તે દીનદયાળ ભવન કાર્યાલય ખાતે તા. 9 ઓક્ટોબર 2021ના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઈબ્રેરી)નું લોકાર્પણ કર્યું હતું ત્યારની આ તસવીર અહીં રજૂ કરાઈ છે. 

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય બન્યું તેમાં અનેક પ્રકારની શરત ભંગ થઈ હતી. હાલ ભાજપનાં સ્થાનિક સંગઠન સામે બળાપો ઠાલવી રહેલા જવાહર ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે વર્ષ 2017માં આ અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે કાર્યાલય બનાવવા માટેની જમીન રહેણાક હેતુ માટે બિનખેતી થયેલી છે, ત્યાં વગર મંજૂરીએ બાંધકામ કરવામાં આવ્યું તથા માર્જીન મુકવામાં આવ્યું નથી. હાઈવેની મધ્ય રેખાથી 24 મીટર બાંધકામ રેખા મુકીને પ્લાન મંજૂર કરવાની શરત મુજબ 24 મીટર જગ્યા મુકવામાં આવી નથી. હવે ચાવડા ભાજપમાં આવ્યા બાદ પણ સાત વર્ષે ફરી આ મુદ્દે વડાપ્રધાનને ફરિયાદ કરી છે.

ખામધ્રોળ ચોકડી પાસે સર્વે નં-90/ પી-1 તથા 90/પી-1/પી-1ના પ્લોટનં-1 અને 2ની બિનખેતીની જમીન પર જિલ્લા ભાજપ કાર્યાલય બન્યું છે. તેમાં શરત ભંગ થવા બદલ બિનખેતીની મંજૂરી રદ કરવા તા.4 જુલાઈ 2017ના માણાવદરના કોંગી ધારાસભ્ય તરીકે જવાહર ચાવડાએ માગણી કરી હતી. કલેક્ટરને કરેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 16 એપ્રિલ 2024ના બિનખેતી હુકમની મોટાભાગની શરતનો ભંગ થાય છે, જેમાં આ જમીન રહેણાક હેતુ માટે ઉપયોગ કરવાની હોવા છતાં ભાજપ કાર્યાલય દીનદિયાળ ભવનના નામે મંજુરી મેળવ્યા વગર બાંધકામ પૂર્ણ કરેલ છે જે શરત-6 મુજબ શરત ભંગ છે. લેઆઉટ પ્લાનમાં બતાવ્યા પ્રમાણે પ્લોટની બાકીની જગ્યા ખુલ્લી મુકી દેવાની રહે છે તેના બદલે માર્જીન મુકવામાં આવ્યું નથી તે બિનખેતીના હુકમ અનુક્રમ નં-8 મુજબ શરત ભંગ છે.

રહેણાંક હેતુ માટેની બિનખેતી કરવા જુડા દ્વારા મંજુર કરવામાં આવેલા નક્શા મુજબ નેશનલ હાઈવે-8 ડીની મધ્ય રેખાથી 24 મીટર બાંધકામ રેખા મુકીને પ્લાન મંજૂર કરવાની શરત મુજબ 24 મીટર બાદ બાંધકામ કરવાની મંજૂરી મેળવી નથી અને બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું ત્યાં સુધી 24 મીટરની બાબત જળવાતી નથી. આ સહિતની અનેક શરતો ટાંકીને જવાહર ચાવડાએ ધારાસભ્ય તરીકે કલેક્ટરને ફરિયાદ કરી ભાજપના કાર્યાલયવાળી જગ્યાનો બિનખેતી હુકમ રદ કરવા માંગણી કરી હતી. ત્યારથી લઈ આજ સુધી કોઈ જાતનો તંત્રએ તેને જવાબ નહીં આપ્યો હોવાનું જણાવ્યું છે. હવે તેણે સમગ્ર મામલે વડાપ્રધાનને ફરિયાદ કરી છે.

દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી : કલેક્ટર 

આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસીયાએ જણાવ્યું હતું કે, રહેણાંક હેતુની જમીનમાં ભાજપ કાર્યાલય બનાવવા મુદ્દે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. દંડ પણ ભરવામાં આવ્યો છે, બાદમાં હેતુ ફેર કરવામાં આવી છે. મનપામાંથી રિવાઈઝ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ અંગે તા. 10-8- 2017ના જવાહરભાઈ ચાવડાને જવાબ આપી દેવામાં આવ્યો છે. દંડ સહિતની નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવેની મધ્ય રેખાથી 24 મીટર જગ્યા છોડીને બાંધકામ કરવાના મુદ્દે મનપા સહિતના અન્ય વિભાગોએ કાર્યવાહી કરવાની રહે છે.

જૂનાગઢમાં નિયમોની ધજિયા ઉડાવી ભાજપના કાર્યાલયનું નિર્માણ, ખુદ પૂર્વ મંત્રીએ જ પોલ ખોલી 2 - image



Google NewsGoogle News