જામનગરના ધાર્મિક સ્થાનોમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું આસ્થાભેર પૂજન
જામનગર,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર
છોટીકાશી ગણાતા જામનગરમાં આવેલા વિવિધ ધર્મસ્થાનોમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતેથી આવેલા આમંત્રણ માટેના અક્ષત કળશનું ઠેર ઠેર પૂજન સ્વાગત થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી પહેલા જામનગરમાં રામમય વાતાવરણ બની રહ્યું છે.
જામનગરમાં પુષ્ટિમાર્ગીય મોટી હવેલી, આણદાબાવા સેવા સંસ્થા, બાલા હનુમાન સંકીર્તન મંદિર, સ્વામિનારાયણ મંદિર ઉપરાંત માનવ સેવા ઉત્થાન સમિતિ સહિતના ધર્મસ્થાનોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી. આ અક્ષત કળશના આગમનને લઈને ધર્મસ્થાનોમાં પણ ભક્તો આસ્થાભેર પૂજન અર્ચન કરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ અને આનંદોત્સવની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
જામનગરના મોટી હવેલી ખાતે પૂ.પા. ગૌ વલ્લભરાયજી મહોદય, પૂ.પા. ગૌ પ્રેમાદ્રરાયજી દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષત આમંત્રણને પૌરાણિક પદ્ધતિ ગણાવી તેનું મહત્વ સમજાવી વૈષ્ણવોને આગામી 22 જાન્યુઆરીએ શ્રીરામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોડાવા આહવાન કર્યું હતું, અને હવેલી ખાતે પણ આ મહોત્સવ દરમ્યાન લાઈવ-ટેલીકાસ્ટ પ્રસારણ કરી મહા આરતીનું આયોજન કરવા અંગે પણ વૈષ્ણવોને જોડાવા પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ ઉપરાંત જામનગરના શ્રી આણદાબાવા સેવા સંસ્થા ખાતે પણ પૂ. દેવપ્રસાદજી મહારાજે પણ અક્ષત કળશનું પૂજન કર્યું હતું. તો બીજી તરફ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા ખાતે પૂ. ધર્મનિધિ સ્વામી અને સંતો મહંતો દ્વારા ખાસ સભા યોજી આ અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું અને હરી ભક્તોને પણ અયોધ્યામાં ભગવાને રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઘેર ઘેર દિવાળી ઉજવવા આહવાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ પૂ. ચત્રભુજ સ્વામી દ્વારા મુખ્ય મંદિરમાં અક્ષત કળશની પધરાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તો જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરત મોદી, માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, જામનગર વિભાગ અધ્યક્ષ ભરત ડાંગરીયા, ઉપાધ્યક્ષ રમેશ તારપરા, ઉપાધ્યક્ષ પ્રફુલાબેન અગ્રાવત, મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશ ગોંડલીયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેન રાજાણી, બજરંગ દળ સહ સંયોજક ધ્રુમિલ લંબાટે, માતૃ શક્તિ સહસંયોજિકા ભાગીરથીબેન (ટીકુબેન) અજા, વર્ષાબેન નંદા, સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણીઓએ શ્રી બાલાહનુમાનજી નિજ મંદિરમાં અયોધ્યાથી આવેલ અક્ષત અર્પણ કરી પૂજન અર્ચન કર્યું હતું.
તો બીજી તરફ માનવ ઉત્થાન સમિતિ ખાતે સાધ્વી ભાવનાબાઈજી દ્વારા અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં ધર્મસ્થાનોમાં આગામી 22 જાન્યુઆરી 2024 ના ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યાથી આવેલા અક્ષત કળશને આમંત્રણને લઈને અર્ચન પણ કરાઈ રહ્યું છે, અને અયોધ્યાના આનંદોત્સવની ઉજવવા જામનગરમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.