ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન, ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
જામનગર,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર
યોગાભ્યાસ થકી ગુજરાતના નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રાજ્યમાં પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાન તા.1લી ડિસેમ્બર-2023 થી 1લી જાન્યુઆરી-2024, એમ એક મહિના સુધી ચાલશે.
આ મહાભિયાન અંતર્ગત તા.6 ડિસેમ્બર થી આગામી 31મી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થશે. સમગ્ર રાજ્યમાં 20 હજારથી વધુ સ્થળોએ આ યોગ સ્પર્ધાનું આયોજન થશે, જેમાં અંદાજે રૂપિયા 2 કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. ગ્રામ્ય, શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નાગરિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને આ સ્પર્ધામાં ભાગ લેવા તા.06 થી 12 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે.
ત્યારબાદ તા.15 ડિસેમ્બર ના રોજ ગ્રામ્યકક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષા સ્પર્ધાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ તા.19 ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોનકક્ષા સ્પર્ધા, તા.24 ડિસેમ્બરના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને અંતમાં તા.29 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.
સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં 09 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં નાગરિકો ભાગ લઇ શકશે.
ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ.101 રોકડ પુરસ્કાર અપાશે. જ્યારે તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ.1000નું રોકડ ઇનામ અપાશે.જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા.21,000/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા.15,000/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા.11,000 રોકડ પુરષ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા.2,50,000/-, દ્રિતીય ભાઇ અને બહેનને રૂા.1,75,000/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા.1,00,000/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.1 જાન્યુઆરી 2024 ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે. તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ 190 જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
રજીસ્ટ્રેશન કરવાની લીંક https://snc.gsyb.in વધુ વિગત માટે યોગ બોર્ડના જામનગરના કો-ઓર્ડીનેટરનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.