જામનગરમાં અંબર સિનેમા રોડ પર 20 દિવસ પહેલાં બાઇક સવાર માતા-પુત્રને ઠોકરે ચડાવી નાસી જનાર કારચાલકને પોલીસે શોધી કાઢ્યો
image : Freepik
જામનગર,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આજથી 20 દિવસ પહેલાં એક સફેદ કલરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બાઇક સવાર માતા પુત્રને ગંભીર સ્વરૂપે ઘાયલ કરીને કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જે કારચાલકને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે શોધી કાઢ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના અંબર સિનેમા રોડ પરથી બાઇક પર પસાર થઈ રહેલા શાંતાબેન મહેશભાઈ કોટડીયા અને તેનો પુત્ર કે જેઓ આજથી 20 દિવસ પહેલાં પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં માતા પુત્ર બંનેને ગંભીર ઇજા થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે જે તે વખતે અજ્ઞાત કારના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ હતી. જે અકસ્માતના બનાવ બાબતે સિટી બી. ડિવિઝનના મયુર રાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, તેમજ હરદીપસિંહ જાડેજાએ જુદા જુદા સીસીટીવી કેમેરા ના ફૂટેજ નિહાળ્યા હતા, અને સફેદ કલરની કારના ચાલકને શોધી કાઢ્યો હતો. જે કારના ચાલકનું નામ રમીજ રફિકભાઈ સફિયા (ઉંમર વર્ષ 19) અને પોલીસ હેડ ક્વાર્ટર્સ પાછળ શ્રીજી એનએક્સ એપાર્ટમેન્ટના રૂમ નંબર 102 માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
જયાંથી પોલીસે કાર ચાલકને શોધી કાઢ્યો હતો, અને તેની પૂછપરછ કરતાં તેણે પોતાની જી.જે.10 ડી.ઇ.4773 નંબરની કાર સાથે નીકળીને અકસ્માત સર્જયો હોવાની કબુલાત આપી હતી. તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.