જામનગરમાં મોટી દુર્ઘટના ટળી, સ્કૂલમાં લાગી આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
Modi School Fired Due To short-circuit In Jamnagar: ગુજરાતના લોકો હજુ રાજકોટ ગેમ ઝોનની ઘટના ભૂલી શક્યા નથી, ત્યા આજે જામનગરની એક ખાનગી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં શાળા સંચાલક અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોટી જાનહાની ટળી
જામનગરમાં સરુસેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આજે સવારે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ઈલેક્ટ્રીક વાયરીંગમાં સૉર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતાં શાળા સંચાલકો અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
કેવી રીતે આગ લાગી
જામનગરમાં સરુસેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આજે સવારની શિફ્ટમાં અંદાજે 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, તે દરમિયાન સ્કૂલની પાછળના ભાગમાં અંદાજે 9.45 વાગ્યે ઈલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડ શાખાના ભરત ગોહેલ તેમજ ભારત જેઠવા સહિત ચાર જેટલા ફાયરના જવાનોની ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ પછી સ્થિતિ થાળે પડતાં શાળામાં શૈક્ષણિક કાર્યની કાર્યવાહી ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આગની ઘટનાથી તમામ વિદ્યાર્થીના વાલીઓમાં પણ થોડો સમય માટે ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.