જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં 21 ઓક્ટોબરના દિવસે શહીદ દિવસની ઉજવણી કરાઇ
- જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દ્વારા શહીદોને સલામી અપાઇ પોલીસ કર્મચારીઓ દ્વારા પરેડ પણ યોજાઈ
જામનગર,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં આજે ૨૧મી ઓક્ટોબરના દિવસે શહીદ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને શહીદ સ્મારક પાસે જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, તેમજ પરેડનું પણ આયોજન કરાયું હતું.
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા દર વર્ષે ૨૧મી ઓક્ટોબરે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં શહીદ સ્મારક બનાવાયું છે, જ્યાં વીરગતિ પ્રાપ્ત કરનારા પોલીસ બહાદુર જવાનોની યાદગીરીમાં શહીદ સ્મારક પાસે પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સૌપ્રથમ શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધા સુમન અર્પવામાં આવ્યા હતા. ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી એન. કે. ઝાલા દ્વારા પણ શ્રદ્ધા સુમન અર્પિત કરાયા હતા. આ વેળાએ જામનગર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા પરેડ યોજવામાં આવી હતી, અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.