જામનગરના વેપારી સાથે છેતરપિંડી : ખંભાળિયાનો શખ્સ ઉંચા ભાડે કાર લઈને રફુચક્કર થઈ ગયાની ફરિયાદ
image : Freepik
જામનગર,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગરમાં રહેતા એક પરપ્રાંતિય વેપારી પાસેથી ખંભાળિયાનો ઊંચા ભાડેથી કાર મેળવીને લઈ ગયા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ત્રિવેણી મંદિર પાછળ શાંતિવિલાસમાં રહેતા કાલુસિંઘ મનોહરસિંઘ ચૌહાણ નામના મૂળ રાજસ્થાનના વતની એવા વેપારીને એક ચીટર શખ્સનો ભેટો થઈ ગયો હતો. જેઓને ડી.એસ.પી. બંગલા પાસે આવેલી સીટી આર્કેડ માર્કેટમાં મળવા માટે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગૌરવ નરેશભાઈ બુદ્ધભટ્ટી, કે જેણે ઊંચા ભાડેથી કાર મેળવી હતી, અને ફરિયાદીની જી.જે.10 ડી.એ. 1379 નંબરની કાર ભાડેથી લઈ ગયા હતા. જે કાર તા.27.9.2023 ના દિવસે લઈ ગયા પછી આજ દિવસ સુધી કાર પરત આપી ન હતી, કે ભાડું ચૂકવ્યું ન હતું.
જેથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કાલુસિંઘ ચૌહાણની ફરિયાદના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે ગૌરવ નરેશભાઈ બુદ્ધભટી સામે આઇપીસી કલમ 406 અને 420 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને રૂપિયા પાંચ લાખની કિંમતની કારની છેતરપિંડી કરવા અંગે ફરિયાદ નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.