જામનગરના એરફોર્સ-1 જેવા સુરક્ષિત વિસ્તારમાં આવેલા ચાર રહેણાક મકાનોમાં ચોરી થયાનું સામે આવતાં ભારે ચકચાર
- તસ્કરોએ એકી સાથે ચાર રહેણાંક મકાનોને નિશાન બનાવી લઈ રૂપિયા પોણા બે લાખની માલમતા ની ચોરી કરી ગયા ની ફરિયાદ
Image Source: Freepik
જામનગર, તા.03 માર્ચ 2024, રવિવાર
જામનગરના એરફોર્સ-૧ વિસ્તારમાં આવેલા એક વોરંટ ઓફિસર સહિતના ચાર એરફોર્સ ના અધિકારી- કર્મચારીના બંધ મકાનોને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ ચારેય મકાનોમાંથી રૂપિયા પોણા બે લાખની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં રહેતા અને વોરંટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ ઉત્તર પ્રદેશના વતની કમલેશ મોહનભાઈ ચતુર્વેદી, કે જેઓ પોતાના મકાનને તાળુ મારીને પરિવાર સાથે પોતાના વતનમાં ગયા હતા, પાછળથી તેમના બંધ રહેણાંક મકાનના તાળાં તોડી કોઈ તસ્કરો એ અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત રૂપિયા 81,000ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.
તેઓએ જામનગર પરત આવ્યા પછી મકાનમાં ચેક કરતાં ઉપરોકત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન તેની આસપાસમાં આવેલા અન્ય ત્રણ મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.
જેમાં પાડોશી અમોત સંજયભાઈ નામના કર્મચારી ના મકાનમાંથી રૂપિયા 35,000ની માલમતાની ચોરી થઈ હતી, જ્યારે અન્ય પાડોશી એ.પી. દીક્ષિત ના બંધ મકાનમાંથી રૂપિયા 25,000ની માલમતા ચોરાઈ હતી. જ્યારે ચોથા પાડોશી અખીલનાથ ડકુઆ ના મકાનમાંથી પણ 35,000ની માલમતા ની ચોરી થઈ ગયા નું જાણવા મળ્યું હતું.
જેથી આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ચારે મકાનમાંથી કુલ રૂપિયા 1,76,000ની માલમતા ચોરી થઈ હોવાનું જાહેર કરાયું હતું. સીટી સી ડિવિઝન ના પી.એસ.આઇ. વી.બી.બરબસિયા એરફોર્ષ સ્ટેશનમાં દોડી ગયા હતા, અને તપાસ શરૂ કરી છે.