કાલાવડમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી: એક લાખની રોકડ બળીને ખાખ
- સોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા નું પ્રાથમિક તારણ: દસ લાખના દાગીના અને ત્રણ લાખની રોકડ બચાવી લેવાઇ
- કાલાવડ ફાયર ની ટીમેં પાણી ના બે ટેન્કર વડે પાણી નો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું
જામનગર, તા. 28 નવેમ્બર 2023, મંગળવાર
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં લીમડાચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આજે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. ફાયરની ટીમે જાણ થતાં જ તુરંત દોડી જઇ બે ગાડીનું ફાયર કરી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.
જોકે ફાયરની ટીમ આગ પર નિયંત્રણ મેળવે તે પૂર્વે ઘરમાં રહેલી રૂપિયા ચાર લાખની રોકડ રકમ પૈકી એક લાખની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી તરફ ફાયરની ટીમે 10 લાખ રૂપિયાના ઘરેણા અને અન્ય ત્રણ લાખની રોકડ રકમ બચાવી લીધી હતી.
આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. આગની ઘટનાની જાણ થવાથી કાલાવડ ટાઉન પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર બનાવવા મામલે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકા મથકે લીમડા ચોક વિસ્તારમાં મુક્તાબેન કન્યા વિદ્યાલય ની બાજુમાં રહેતા યોગેશભાઈ ધોળકિયા ના રહેણાંક મકાને આજે 11 વાગ્યા આસપાસ એકાએક આગ લાગી હતી. જેના પગલે મકાન માલિકે તાત્કાલિક સ્થાનિક ફાયર તંત્રને જાણ કરી હતી આગની જાણ થતા જ ફાયરની બે ટીમ બે ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગતા જ આ વિસ્તારમાં ટોળા એકત્ર થઈ ગયા હતા.
કાલાવડ ફાયરની ટુકડીએ તાત્કાલિક દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું જોકે ફાયર ની ટીમ આગ પર નિયંત્રણ મેળવે તે પૂર્વે ઘરમાં રહેલ ટીવી સહિતનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. તો બીજી તરફ ચાર લાખની રોકડમાંથી એક લાખની રોકડ પણ બળી ગઈ હતી જોકે ફાયરની ટીમે 10 લાખના ઘરેણા અને ત્રણ લાખની રોકડ બચાવી લીધી હતી. કાલાવડ ફાયર તંત્રના જણાવ્યા અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.