જામનગરમાં મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન રૂપિયા 1,14,૦૦૦ની વીજ ચોરી પકડાઈ
- પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક વિજમીટરમાં પણ સ્માર્ટ રીતે વીજ ચોરી પકડાઈ: 1.8 લાખનું બિલ અપાયું
જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન વિભાગ ની ટિમ દ્વારા મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધરી મકાનમાંથી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને તેને 1,14,૦૦૦નું વીજ ચોરીનું બીલ ફટકારવામાં આવ્યું છે. તે જ રીતે પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને તે આસામીને પણ 1,8,000નું પુરવણી બિલ અપાયું છે.
ગઈકાલે તારીખ 23.12.2023ના રોજ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેર તથા જુનિયર ઈજનેરો દ્વારા બાતમીના આધારે ફિલ્ડ પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયાં પાણીના ટાંકા પાછળ આવેલ રહેણાંક મકાનમાં વીજ-ચેકિંગ હાથ ધરતા વીજમીટરમાં આવતો ઇનકમિંગ સર્વિસ વાયર ઘરની અંદર મીટરની નજીક થી કાપીને ત્યાંથી ડાયરેક્ટ ટેપિંગ કરીને મીટરને બાયપાસ કરી સીધો જ ઘરનો વીજ વપરાશ ચાલતો માલૂમ પડેલ હતો.
જેના આધારે વીજ ચેકિંગની કામગીરી અંતર્ગત મીટર જે તે સ્થિતિમાં કબજે કરી કચેરી દ્વારા વિજ પોલીસ મથકમાં વીજ અધિનિયમ ની કલમ 135 હેઠળ વીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે, અને વિજ ગ્રાહક મહિલા વિમલબા શિવરાજસિંહ ખાચર ને રૂપિયા ૧,૧૪,૬૦૧ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે.
વીજચોરી બંધ થાય અને લાઈન-લોસ ઘટાડી શકાય તેની ઝુંબેશ અંતર્ગત આ સંપૂર્ણ કાર્યવાહી સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર શ્રી એચ.એમ. જોશી તથા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ શ્રી એસ.આર. કનખરા દ્વારા નાયબ ઇજનેર શ્રી અજય પરમાર ની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગઈકાલે તારીખ 23.12.2023ના રોજ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર શ્રી વી જી શર્મા તથા નાયબ ઇજનેર શ્રી અજય પરમાર દ્વારા વિભાગીય કચેરીની મીટર લેબોરેટરી ખાતે વીજ-મીટરો ની ચકાસણી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન કચેરી દ્વારા અગાઉ બદલાવામાં આવેલા વીજ મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી થતું હોવાનું પકડી પાડવામાં આવ્યું હતું.
વિગત મુજબ લેબોરેટરીમાં ખોલવામાં આવેલ વીજ મીટર નું એમ એમ બી સીલ તથા ટીબી સીલ તોડીને ફરીથી ફીટીંગ કરેલું હતું અને મીટર ની બોડી ની પાછળ ના ભાગમાં ચોરસ ટુકડો કાપી મીટરની સર્કિટમાં નાનો રજીસ્ટન્સ જોડી ફરીથી બોડીને પેક કરેલી હતી, અને આસાનીથી જોઈ ન શકાય તે રીતે સ્માર્ટ રીતે ફીટીંગ કરેલું હતું.
આ સમગ્ર કાર્યવાહીમાં લેબોરેટરી માં ફોટોગ્રાફી સાથે રોજ કામ કરી વીજ અધિનિયમ અંતર્ગત કલમ 135હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને કચેરી દ્વારા વિજ ગ્રાહક મહિલા નિર્મળાબેન સાવજીભાઈ અજાને રૂપિયા 1,08,775નું પુરવણી બિલ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તેમજ નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિજ પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો ગુનો દાખલ કરાવાયો છે.