જામનગરમાં અંબર સિનેમા રોડ પર કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં માતા-પુત્ર અને પુત્રી સહિત ત્રણને ઇજા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
જામનગરમાં અંબર સિનેમા રોડ પર કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં માતા-પુત્ર અને પુત્રી સહિત ત્રણને ઇજા 1 - image

જામનગર,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગરમાં અંબર સિનેમા રોડ પર પુરપાટ વેગે આવી રહેલી એક કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક ચાલક યુવાન તેની માતા અને તેની પુત્રી સહિત ત્રણને નાની મોટી ઈજા થઈ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-1માં રહેતો અને ગેરેજ કામ કરતો અલ્પેશ મહેશભાઈ કોટડીયા નામનો 44 વર્ષનો પટેલ યુવાન ગત 17મી તારીખે પોતાના બાઈક પર પોતાની માતા તથા પુત્રીને બેસાડીને જામનગરના અંબર સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલી એક સફેદ કલરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી દેતાં બાઈક માર્ગ પર ફંગોળાઈ ગયું હતું, અને અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં બાઈક ચાલક અલ્પેશ અને તેની પુત્રીને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ પાછળ બેઠેલી તેની માતાને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણેયને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ અકસ્માતના બનાવની જાણ થતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને અલ્પેશ કોટડીયાની ફરિયાદના આધારે સફેદ કલરની કારના ચાલક સામે ગુનો નોંધી, સીસીટીવી કેમેરાની મદદથી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News