ગુજરાતીઓની દુકાનો, 5 શાળામાં આપણી ભાષાનો વિષય, વાસ્કો દી ગામાના દેશમાં ગુજ્જુઓનું વર્ચસ્વ
ગ્રેટર લિસ્બનમાં સૌથી મોટી ગુજરાતી વસાહત છે, 1987માં ગુજરાતીઓ માટે ખાસ 'સ્વાગતમ' શીર્ષક હેઠળ રેડિયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો
image : Envato |
Portugal and Gujarat Connection News | ઈતિહાસમાં આપણે ભણીએ છીએ કે વાસ્કો દ ગામાએ 1498માં પોર્ટુગલથી ભારતના કાલિકટ બંદર પર ઉતરાણ કર્યું હતું. એ પછી અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી. એ જ પોર્ટુગલમાં હાલમાં 70000થી વધુ ભારતીય પરિવારો વસે છે જેમાંથી 60000થી વધુ ગુજરાતીઓ છે અને તે ગુજરાતી સંસ્કૃતિને સાચવીને બેઠા છે.
1970ના દાયકામાં ગુજરાતીઓનું પોર્ટુગલ ભણી મોટું માઈગ્રેશન (સ્થળાંતર) થયું હતું અને કારીગરી કરતાં કરતાં મોટા ભાગના ગુજરાતીઓએ પોર્ટુગલમાં પોતાની દુકાનો પણ શરુ કરી. ક્વિન્ટા દા વિક્ટોરિયા અને ક્વિન્ટા દા હોલેન્ડિસા આ બે જગ્યાએ વાંઝા સમાજ અને દરજી સમાજની મોટા સેટલમેન્ટ હતા. ક્રમશઃ દૂધમાં સાકરની જેમ ભળી જનારા આ ગુજરાતી સમુદાયને પોર્ટુગલના લિસ્બનમાં પણ રહેવાની સરકારી અનુકૂળતાઓ ઊભી થઈ. આજે ગ્રેટર લિસ્બન વિસ્તારમાં સૌથી મોટી ગુજરાતી વસાહત છે.
2000ના દશકમાં બહુ મોટું સ્થળાંતર પોર્ટુગલથી લંડનનું થયું પરંતુ મોટા ભાગના ગુજરાતીઓએ પોર્ટુગલમાં જ રહેવાનું પસંદ કર્યું. આજે જ્યારે યુરોપનો પ્રવાસ સરળ બન્યો છે ત્યારે પશ્ચિમ યુરોપમાં અનેક ગુજરાતીઓને યુરોપિયન ભાષાઓ વચ્ચે ગુજરાતી બોલતા ગુજરાતીઓને જોઈને ભારતીય પ્રવાસીઓને શેર લોહી ચડે છે.
જે તે સમયે ગુજરાતનો કારીગર વર્ગ વિશિષ્ટ અધિકારોને કારણે દિવ-દમણથી પોર્ટુગલ સ્થળાંતરીત થયો હતો પરંતુ આજે પોર્ટુગલના ટ્રેડ-કોમર્સથી લઈને ત્યાંના રિઅલ એસ્ટેટમાં ગુજરાતીઓનું આગવું સ્થાન છે. એપ્લાયન્સીસ, ફૂડ, ક્લોધિંગ, પરફ્યુમ, સ્ટેશનરી, જ્વેલરી, હાઉસહોલ્ટ આઈટમ્સ, રેસ્ટોરન્ટ અને મિનિ માર્કેટમાં ગુજરાતીઓ છે. પોર્ટુગલનું રિઅલ એસ્ટેટ પણ યુરોપમાં આગવું સ્થાન ધરાવે છે. સ્પેશ્યલ વિઝા કેટેગરીમાં આવનારા હાઈક્લાસ બિઝનેસ પરિવાર અહીં આવીને પોર્ટુગિઝ મિલ્કત પણ ખરીદી શકે છે ત્યારે અહીંના રિઅલ એસ્ટેટે ગતિ પકડી છે.
આ અંગે અવાર નવાર વિશ્વ પ્રવાસ કરતાં અને ખાસ યુરોપનો અનેકવાર પ્રવાસ કરી ચૂકેલા એલ.ડી. આર્ટ્સ કોલેજના પ્રા. જે.ડી.ભોલા જણાવે છે કે વાસ્કો દ ગામાએ જયાંથી ભારત આવવા પ્રયાણ કર્યું હતુ ત્યાં અમે ખાસ ગયા હતા. એ સમયે ત્યાંના યુવાનોમાં સમુદ્રી માર્ગે નવું શોધવાનો ક્રઝ હતો. પરંતુ 19મી સદીમાં જ્યારે પોર્ટુગિઝ સરકારે દિવ,દમણ અને ગોવાના રહેવાસીઓને ખાસ અધિકારો આપ્યા એ અંતર્ગત ગુજરાતનો બહુ મોટો કારીગર વર્ગ પોર્ટુગલ જઈને વસ્યો. જેના કારણે આજે ત્યાં ગુજરાતી વસાહતો છે, ગુજરાતી બોલાય છે. વર્ષો જૂના ગુજરાતી પરિવારોની સ્થિરતા અનુભવી શકાય છે. તમને પોર્ટુગલમાં નવરાત્રી, સત્યનારાયણની કથા અને નાના મોટા ગુજરાતી પ્રસંગો અને મંદિરોની ઝાલરો સાંભળવા મળે. એ 19મી સદીના આધુનિક સાહસીઓની દેન છે.
એ દાયકામાં શાંતિલાલ શુક્લ ખાસ દિવથી મોઝામ્બિક અને ત્યાંથી પોર્ટુગલ આવાનારા પ્રથમ કર્મકાંડી બ્રાહ્મણ હતા જેમની પોર્ટુગલના ગુજરાતી હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન સહિતના અન્ય સંસ્કારોમાં જરુરિયાત હતી. માર્ટીમ મોઝિમ ખાતે આજે પણ ગુજરાતીઓની દુકાનો પોર્ટુગલમાં ગુજરાતને ધબકતું રાખે છે. એ અરસામાં પોર્ટુગલમાં સૌથી મોટો પ્રશ્ન બાળકોના અભ્યાસનો હતો. અહીંની મોટા ભાગની શાળાઓમાં પોર્ટુગિઝમાં જ શીખવવામાં આવે અને એ કારણે બાળકો પોર્ટુગિઝમાં વાતો કરતા થયા. ત્યારે ત્યાં ગુજરાતી સમાજ દ્વારા શાળા ખોલવામાં આવી.
જે બાળકો અહીં ના આવી શકે તેમના માટે પોર્ટુગલની પાંચ શાળાઓમાં દર શનિવારે ગુજરાતી ભણાવવામાં આવે છે. જેથી અહીંના બાળકો અઠવાડિયે એકવાર ગુજરાતી શીખી શકે. ભાષાના આ કાર્ય માટે સિટી કાઉન્સિલ ઓફ લિસ્બન દ્વારા ખાસ પરમિશન આપવામાં આવી. 1987માં ગુજરાતીઓ માટે ખાસ 'સ્વાગતમ' શીર્ષક હેઠળ રેડિયો પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો હતો. આ માન મરતબો ગુજરાતી ભાષાને પોર્ટુગલમાં મળ્યો હતો. જે અહીંયા ચાલતો અનોખો ગુજરાતી રેડિયો પ્રોગ્રામ હતો. જો કે અન્ય દેશોની જેમ ગુજરાતી બચાવવા માટે અહીંની જુની પેઢી નવી પેઢી સાથે સંઘર્ષ કરી રહી છે.