સવારે ઉઠતાની સાથે જ સતત છીંક આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય
Image Source: Freepik
અમદાવાદ, તા. 20 ડિસેમ્બર 2023 બુધવાર
સવારે ઉઠતા જ અમુક લોકોને સતત છીંક આવવા લાગે છે. તેને મેડીકલ સાયન્સમાં એલર્જિક રાઈનાઈટિસ કહેવાય છે. ઘણી વખત અચાનક હવામાન બદલાવુ, ધૂળમાં જવુ, વાતાવરણમાં ભેજ, કોઈ પેઈન્ટ કે સ્પ્રે અને પોલ્યુશનથી એલર્જિક રાઈનાઈટિસની સમસ્યા પેદા થઈ શકે છે. શ્વાસ લેતી વખતે હવામાં હાજર ધૂળના કણ શરીરની અંદર જતા રહે છે અને શરીરમાં આવા રિએક્શન થાય છે. તેનાથી છીંક આવવા લાગે છે. અચાનક હવામાન બદલાઈ જવાના કારણે લોકોને સમસ્યા વધુ થાય છે. તમે અમુક વાતોનું ધ્યાન રાખીને આ સમસ્યાને ઘણી હદ સુધી ઠીક કરી શકો છો.
સવારે આવતી છીંકના ઉપાય
જો તમે એલર્જિક રાઈનાઈટિસની સમસ્યાથી પીડિત છો તો તમારે હળવા ભોજનની ટેવ પાડવી જોઈએ. ડાયટમાં સિંધવ મીઠાંનો ઉપયોગ કરો અને પાણી હંમેશા હૂંફાળુ જ પીવો.
તમે 10-12 તુલસીના પાન, 1/4 ચમચી મરીનો પાઉડર, થોડુ પીસેલુ આદુ 1 કપ પાણીમાં નાખીને ઉકાળો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ રહી ન જાય. હવે આ પાણીને ગાળી લો અને સવાર અને સાંજે હૂંફાળુ પીવો.
છીંકવાની સમસ્યાને ઠીક કરવા માટે તમે અડધી ચમચી હળદર અને થોડુ સિંધવ મીઠુ હૂંફાળા પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને સામાન્ય હૂંફાળુ જ પી લો. તેનાથી તમને એલર્જીમાં આરામ મળશે. હળદરમાં એન્ટી એલર્જિક, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે રાઈનાઈટિસમાં રાહત પહોંચાડે છે.
આંબળા પણ એલર્જીમાં ફાયદો કરે છે. આ માટે 1 ચમચી મધ અને થોડો આંબળાનો પાઉડર મિક્સ કરીને 2 વખત સેવન કરો. તમે ઈચ્છો તો આંબળા ફુદીનાના પાનથી બનેલી ચા પણ પી શકો છો. તેનાથી ખૂબ આરામ મળશે.
દરરોજ નાસ લેવાથી પણ આ સમસ્યાને ઘટાડી શકાય છે. આ માટે પાણીમાં થોડુ કપૂર નાખી દો અને પછી લગભગ 15 મિનિટ સુધી આ પાણીથી સ્ટીમ લો. તેનાથી સવારે છીંકવાની સમસ્યા ઓછી થશે.