મોર્નિંગ વૉક કે જોગિંગની આ રીત જાણી લો, ઘરેથી નીકળ્યા વિના થશે અઢળક ફાયદા, પ્રદૂષણથી બચી જશો
Image : Freepik |
Stationary Jogging : જેવી શિયાળાની ઋતુ શરુ થાય તરત જ દરેક વ્યક્તિ પ્રદૂષણને લઈને પરેશાન થાય છે. ખાસ કરીને દિલ્હી NCRમાં રહેતા લોકો ખતરનાક પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં પાર્ક, ગાર્ડન અથવા ખુલ્લા મેદાનમાં ચાલવા કે કસરત કરવાને બદલે ઘરની અંદર કેટલીક ફિટનેસ પ્રવૃત્તિઓ કરવી વધુ હિતાવહ રહે છે. તમે તમારા ઘરના રૂમમાં વોકિંગ કે જોગિંગ કરી શકો છો. આ માટે તમારે કોઈ મોટી જગ્યાની જરૂર નથી. સ્વામી રામદેવ એક જગ્યાએ ઊભા રહીને કલાકો સુધી જોગિંગ કરવાની પદ્ધતિ અને ફાયદા સમજાવે છે. આ દિવસોમાં સ્ટેશનરી જોગિંગ પણ ખૂબ લોકપ્રિય છે. આ બધું કરવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમે ગમે ત્યાં ઊભા રહીને ચાલી શકો છો.
શું છે સ્ટેશનરી જોગિંગ?
સ્ટેશનરી એટલે એક જગ્યાએ સ્થિર રહેવું. જ્યારે આપણે ચાલવાને બદલે એક જગ્યાએ ઊભા રહીને જોગિંગ કરીએ છીએ ત્યારે તેને સ્ટેશનરી જોગિંગ કહેવામાં આવે છે. ઘરમાં રહેતા લોકો માટે જોગિંગ કરવાની આ એક સારી રીત છે. ખાસ કરીને જો તમારે પ્રદૂષણમાં ચાલવાથી બચવું હોય તો આ રીતે વોકિંગ કે જોગિંગ કરી શકો છો. તમે દિવસમાં ઘણી વખત 10 મિનિટ માટે આ કસરત ઘરે કરી શકો છો. કસરત પહેલા વોર્મિંગ અપ માટે હળવા સ્ટેપ્સ સાથે સ્ટેશનરી જોગિંગ કરો અને પછી તેની ઝડપ વધારો.
સ્ટેશનરી જોગિંગ કરવાની સાચી પદ્ધતિ
સૌથી પહેલા સીધા ઊભા રહો અને તમારા હાથને જોગિંગની પોઝિશનમાં લાવો. હવે તમારે પગ ઉંચા કરીને ચાલવાનું શરુ કરો. તમારે તે એક જ જગ્યાએ સતત ચાલતા રહેવાનું છે. ચાલતી વખતે વ્યક્તિએ ન તો આગળ કે ન તો પાછળ ચાલવું. તમારે એ રીતે ચાલવાનું છે કે જાણે તમે ટ્રેડમિલ પર દોડી રહ્યા છો.
સ્ટેશનરી જોગિંગના ફાયદા
આ રીતે જો તમે એક જગ્યાએ ઉભા રહીને કસરત કરો છો તો તેનાથી તમારા હૃદયની તંદુરસ્તી સુધરે છે. આ એક પ્રકારની કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ છે. જે હૃદયને વધુ મજબુત બનાવે છે. આ રીતે જોગિંગ કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે.
આ રીતે ચાલવાથી તમે અનેક ગંભીર રોગોના જોખમથી દૂર રહી શકો છો. સ્ટેશનરી જોગિંગ કરીને હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. ડાયાબિટીસ, કેન્સર, ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓમાં તમને ફાયદો થઇ શકે છે. અઠવાડિયામાં 4-5 દિવસ આ રીતે ચાલવાની ટેવ પાડો.
એક મહિનામાં 2 કિલો વજન ઘટાડી શકાય
આ કસરતનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. આ કસરત તમે ઘરે ગમે તે સમયે કરી શકો છો. તમારે કોઈ ખાસ કપડાંની જરૂર પણ પડશે નહીં. તમે ઘરના કપડામાં પણ આ રીતે ચાલી શકો છો અને જોગ કરી શકો છો. દરરોજ 30 મિનિટ ચાલવાથી તમે લગભગ 290 કેલરી બર્ન કરશો. આ રીતે તમે ફક્ત રૂમમાં ચાલવાથી એક મહિનામાં 2 કિલો વજન ઘટાડી શકો છો. સ્ટેશનરી જોગિંગથી સ્નાયુઓ મજબૂત બને છે.