શિયાળામાં વધી શકે છે માઈગ્રેનની સમસ્યા, રાહત મેળવવા માટે જાણો બચવાના ઉપાય
નવી મુંબઇ,તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર
લોકો તેમના જીવનકાળ દરમિયાન માઇગ્રેનની સમસ્યાથી પીડાય છે. જો કે આ સ્થિતિ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. વધારે કામ, તણાવ અથવા અન્ય કેટલીક સ્થિતિઓને કારણે માથાનો દુખાવો થવો સામાન્ય હોય છે પરંતુ દરેક માથાનો દુખાવો સામાન્ય ગણવો એ યોગ્ય નથી.
માઈગ્રેન એક ખાસ પ્રકારની સમસ્યા છે, જેમાં લોકોને ગંભીર માથાનો દુ:ખાવા સાથે અન્ય કેટલાક લક્ષણો જેવા કે ઉબકા, ઉલટી, પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા વગેરે થાય છે. માઈગ્રેનથી પીડાતા લોકોને મહિનામાં 10થી 15 દિવસ સુધી માથામાં તીવ્ર દુ:ખાવો રહેતો હોવાની ફરિયાદ જોવા મળે છે.
જેમ જેમ શિયાળો આગળ વધતો જાય તેમ તેમ માઈગ્રેન ખતરનાક બની શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે શિયાળાની ઋતુમાં માથાનો દુખાવો થવાની સમસ્યા સામાન્ય બની જાય છે. આ સમયગાળા દરમિયાન માઈગ્રેનની સમસ્યા વધી શકે છે.
ઠંડી વધે ત્યારે માઈગ્રેન કેમ વધે છે?
હેલ્થ એક્સપર્ટના મતે, આ ઋતુમાં એવી ઘણી સ્થિતિઓ છે જે માઈગ્રેનનું જોખમ વધારી શકે છે. મેયો ક્લિનિકના રિપોર્ટ અનુસાર, હવામાનમાં ફેરફાર માઈગ્રેનને ઉત્તેજિત કરી શકે છે. આ ઉપરાંત હવામાં શુષ્કતા અને અતિશય ઠંડીના કારણે પણ માઈગ્રેનની તકલીફ થઈ શકે છે.
સૂર્યપ્રકાશના અભાવે માઈગ્રેનની સમસ્યા
ઠંડીની સિઝનમાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે, જેના કારણે માઈગ્રેનની સમસ્યા પણ વધી શકે છે. મગજના રસાયણોના અસંતુલનને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.
માઈગ્રેનથી બચવાના ઉપાયો
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જીવનશૈલીમાં ઘણા બદલાવને કારણે માથાનો દુખાવો વધી શકે છે. આલ્કોહોલ, કોફી, તેજ અથવા ચમકતી લાઇટ, તીવ્ર ગંધ અને કેટલાક ખોરાકનો વધુ પડતો વપરાશ માઇગ્રેનને વધારી શકે છે.
- ઠંડીથી દૂર રહેવું
- નિયમિત વ્યાયામ કરવુ
- ઠંડા હવામાનમાં તમારા માથાને સારી રીતે ઢાંકીને રાખવુ