આયુર્વેદ પ્રમાણે તાવ આવે ત્યારે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ, નહીંતર લાંબો સમય ચાલશે બીમારી
Image Source: Freepik
અમદાવાદ, તા. 06 જાન્યુઆરી 2024 શનિવાર
શિયાળામાં લોકો સૌથી વધુ બીમાર પડે છે. વૃદ્ધ હોય કે બાળકો શરદી, ખાંસી અને તાવ તમામને પરેશાન કરે છે. બદલાતુ હવામાન અને નીચુ તાપમાન શરીરના તાપમાનને વધારી દે છે. દરમિયાન સવાર-સાંજની ઠંડીથી બચીને રહો. જો તમને તાવ આવી જાય તો અમુક બાબતોનો ખ્યાલ રાખો. તમારી બેદરકારીના કારણે બીમારી લાંબી ચાલી શકે છે. તાવ જેટલો વધારે દિવસ સુધી રહેશે તેટલી વધુ તકલીફ વેઠવી પડશે. ખાસ કરીને આયુર્વેદ અનુસાર ડાયટમાં ખૂબ ધ્યાન રાખવુ જોઈએ. જેનાથી તમારી તબિયત વધુ બગડે નહીં. મોટાભાગના લોકો એ જાણતા નથી કે તાવ આવે તો શું ખાવુ જોઈએ અને કઈ વસ્તુનું સેવન ન કરવુ જોઈએ.
તાવ આવે ત્યારે શું ન કરવુ
ઠંડા પાણીથી ન ન્હાવુ
અમુક લોકો તાવ આવે ત્યારે ઠંડા પાણીથી ન્હાય છે જોકે આવુ બિલકુલ પણ કરવુ જોઈએ નહીં. થોડા હૂંફાળા પાણીથી સ્પંજિંગ કરી લો કે પછી સામાન્ય બાથ લઈ લો.
આ ફળોનું સેવન કરવુ નહીં
તાવમાં આમ તો ફળ ખાવા સારુ માનવામાં આવે છે પરંતુ કયા ફળ ખાવા જોઈએ અને કયા નહીં તે તમારે જાણવુ ખૂબ જરૂરી છે. તાવ આવવા પર ઘણા ફળ છે જેને ખાવાનું ટાળવુ જોઈએ. ખાસ કરીને જ્યૂસી અને ખાટા ફળ, કેળા, તરબૂચ, સંતરા, લીંબુ ખાવાથી બચવુ.
દહીંનું સેવન ન કરવુ
તાવ આવવા પર ઠંડી વસ્તુઓનું સેવન કરવુ જોઈએ નહીં. તેથી તાવમાં દહીં, છાશ, લસ્સી કે રાયતુ પીવાથી બચવુ જોઈએ. ખાસ કરીને ઠંડા ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવુ જરૂરી છે. જેમાં દહીં સૌથી પહેલા નંબરે આવે છે.
તાવ આવે ત્યારે શું કરવુ
જો તમને તાવ છે તો સૌથી પહેલા ડાયટનો ખ્યાલ રાખો. સામાન્ય અને સરળતાથી પચી જાય તેવુ ભોજન લો.
એક સાથે વધુ પ્રમાણમાં ભોજન જમવાથી બચો અને ભોજન બાદ ઘરની અંદર જ ચાલતા રહો.
ફીવરમાં તમારે ભરપૂર પાણી પીવુ જોઈએ પરંતુ હૂંફાળુ પાણી જ પીવો. તેનાથી ગળાને આરામ મળે છે.
તમે ઈચ્છો તો તાવમાં સૂપ પણ પી શકો છો. ટામેટાનો સૂપ, મિક્સ વેજ સૂપ કે મગની દાળનો સૂપ પી શકો છો.
તાવ આવે ત્યારે ભરપૂર આરામ કરવો જોઈએ. સમયસર સૂવુ અને જાગવાથી આરોગ્યમાં સુધારો થાય છે.