જાણો શિયાળામાં તડકામાં બેસવાથી મળતા શારીરિક અને માનસિક ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 25 નવેમ્બર 2023 શનિવાર
શિયાળાની સીઝનમાં જ્યારે તડકો નીકળે છે ત્યારે બહાર જઈને થોડો સમય તડકામાં બેસવાનો અલગ જ આનંદ હોય છે. સામાન્ય ગરમીવાળા આ તડકામાં બેસવાથી ન માત્ર શરીરને ગરમી મળે છે પરંતુ આરોગ્ય માટે પણ આ ખૂબ ફાયદાકારક હોય છે. જેમ આપણા શરીરને ભોજનની જરૂર હોય છે, તેવી જ રીતે સૂર્યની રોશની એટલે કે તડકો પણ આપણા આરોગ્ય અને ફિટનેસ માટે ખૂબ જરૂરી હોય છે. ભોજનથી ઉર્જા મળે છે તો તડકાથી વિટામિન ડી મળે છે, જે હાડકાઓના વિકાસ અને મજબૂતી માટે જરૂરી હોય છે. સાથે જ આ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં પણ દરરોજ થોડો સમય તડકામાં બેસવુ ખૂબ જરૂરી હોય છે.
વિટામિન ડી
શિયાળામાં તડકામાં બેસવાથી વિટામિન ડી મળે છે. જોકે, આપણુ શરીર સૂર્યની રોશનીના સંપર્કમાં આવવા પર વિટામિન ડીનું નિર્માણ કરે છે. આ વિટામિન આપણા હાડકાઓ માટે ખૂબ જરૂરી હોય છે કેમ કે આ કેલ્શિયમના અવશોષણમાં મદદ કરીને હાડકાઓને મજબૂત બનાવે છે. વિટામિન ડી ની ઉણપથી હાડકાઓ કમજોર થઈ જાય છે અને તૂટવાનું જોખમ વધી જાય છે. શિયાળાના તડકામાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય છે, જેનાથી હાડકાઓ મજબૂત અને સ્વસ્થ બની રહે છે.
બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે
આ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે જેનાથી આપણુ શરીર વિભિન્ન પ્રકારની બીમારીઓ અને સંક્રમણોનો સામનો કરવામાં સક્ષમ થઈ શકે છે. શિયાળાની સીઝનમાં આમ તો બીમારીની ચપેટમાં ઝડપથી આવી જવાય છે.
મૂડ સારો રહે છે
તડકામાં રહેવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જે આપણા મૂડને સારો બનાવવામાં મદદ કરે છે. આ હોર્મોન્સ શરીર અને મગજને આરામ પહોંચાડે છે અને તણાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સૂર્યની રોશનીમાં રહીને આપણુ મન વધુ શાંત અને પ્રસન્ન રહે છે.
ત્વચાને લાભ
શિયાળામાં જો તમે તડકામાં બેસો છો તો તમારો ચહેરો પણ ગ્લો કરે છે. તડકામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલને ખતમ કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ
સૂર્યનો તડકો વજન નિયંત્રણમાં રાખવાની એક પ્રાકૃતિક રીત છે. કસરતની સાથે તડકામાં બેસવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે કેમ કે આ આપણી કેલેરી બર્નને વધારે છે.
કયા સમયે તડકામાં બેસવુ
જો તમે તડકાથી વિટામિન ડી મેળવવા માગો છો તો આ માટે સવારે 8 વાગ્યા પહેલાનો તડકો યોગ્ય માનવામાં આવે છે આ સમયે માત્ર 10 મિનિટનો તડકો લેવો પણ પૂરતો હોય છે.