ઘરમાં આ સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરીને મચ્છરોથી મેળવો છુટકારો, ડેન્ગ્યુનું ઘટશે જોખમ
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 નવેમ્બર 2023 ગુરૂવાર
ડેન્ગ્યૂ એક વખત પાછો પોતાનો કહેર વરસાવી રહ્યો છે. દેશના ઘણા વિસ્તારોમાંથી ડેન્ગ્યુ ફેલાવાના સમાચાર આવી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં આ વખતે ડેન્ગ્યુની અસર ગયા વર્ષની સરખામણીએ વધુ છે. પરિસ્થિતિ એ છે કે દિલ્હી, નોઈડા સહિત દેશના જુદા-જુદા રાજ્યોના હોસ્પિટલ ડેન્ગ્યુના દર્દીઓથી ભરાયેલા છે. WHO અનુસાર દર વર્ષે દુનિયામાં લગભગ 40 કરોડ લોકોને ડેન્ગ્યુનું ઈન્ફેક્શન થાય છે. શક્યતા છે કે આ આંકડો આગામી સમયમાં 400 કરોડ સુધી જઈ શકે છે. દરમિયાન ડેન્ગ્યુના મચ્છરોથી બચવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય અજમાવે છે.
કપૂર અને લીમડાનું તેલ
મચ્છરોને ભગાડવા માટે તમે કપૂર અને લીમડાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેની ગંધ મચ્છરોને પસંદ આવતી નથી અને તે ઘરથી દૂર ભાગી જાય છે. આ માટે કપૂર અને લીમડાના તેલને મિક્સ કરીને સળગાવી દો અને રૂમને બંધ કરી દો. જ્યારે કપૂર સળગી જશે તો મચ્છર આપમેળે મરી જશે અથવા ભાગી જશે.
લસણ
શાકભાજીમાં સ્વાદ વધારનાર લસણ મચ્છરોને ભગાડવામાં પણ ખૂબ કારગર છે. લસણની કળીને પાણીમાં ઉકાળો, હવે આ પાણીને સ્પ્રે બોટલમાં નાખીને ઘરના ખૂણામાં છાંટો, તેનાથી મચ્છર મરી જાય છે.
લવિંગ અને લીંબુ
લવિંગ અને લીંબુની ગંધ પણ મચ્છરોને ભગાડવાનું કામ કરે છે. આ માટે લીંબુને બે ટુકડામાં કાપી લો, પછી તેમાં અમુક લવિંગને નાખી દો. આ લીંબુના ટુકડાને તમે ઘરના ખૂણામાં મૂકી દો, તેનાથી મચ્છર સરળતાથી ભાગી જાય છે.
આ વાતોનું પણ ધ્યાન રાખો
ઘરેલૂ ઉપાયને અપનાવવા સિવાય તમે અમુક વાતો પર પણ ખાસ ધ્યાન આપો. પોતાનું ઘર એકદમ સ્વચ્છ રાખો. ઘરના કોઈ પણ ખૂણામાં પાણી જમા થવા દેશો નહીં. સાથે જ રાત્રે મચ્છરદાની લગાવીને સૂવો. ફૂલ સ્લીવ્સના કપડા પહેરો.