લાગે છે હવે તો શુદ્ધ ભોજન નહી પચે? વંદે ભારતના ફૂડમાં મરેલો વંદો, તો હોટલના ભોજનમાંથી નિકળી જીવતી ઈયળ
Alert For Fast Food Lover's: જો તમે પણ બહાર મોંઘીદાટ હોટેલમાં જમવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે છે. તમે જે હોટલમાં બેસીને પ્રેમથી ભોજન આરોગો છો, શું ત્યાંથી ક્યાક તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ ચેંડા તો નથી થઈ રહ્યાને.., જો તમે એકવાર આ હોટલોના રસોડાની મુલાકાત લેશો, તો હોટલમાં જમવાનો વિચાર પણ નહીં કરો. છેલ્લા કેટલાક સમયથી બહારના ભોજનમાં મરેલો ઉંદર, ગરોળી, વંદો તો ક્યાંક જીવતી ઈયળ મળી આવ્યાના સમાચાર સાંભળવા મળે છે. તાજેતરમાં જ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને પીરસવામાં આવેલાભોજનની અંદર મૃત વંદો 'મળ્યો'નો ફોટો શેર કરવામાં આવ્યો છે. તો આંધ્રપ્રદેશના તિરુપતિની એક હોટલમાં કેટલાક યુવાનો જમવા ગયા તેમના ભોજનમાં જીવતી ઈયળ નીકળી હતી.
ગુજરાત સહિત દેશભરમાં હોટલ અને બ્રાન્ડેટ કંપનીની એફએમસીજી પ્રોડક્ટમાંથી મરેલા જીવજંતુ નિકળવા તે સામાન્ય બાબત બની ગઇ છે. છેલ્લા મહિનામાં કેટલીક ઘટનાઓ સામે આવી છે. જે બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન છે. હાઇજીન નામે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ પ્રકારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા હોવા છતાં ફૂડ વિભાગે આંખે પાટા બાંધ્યા હોય એ પ્રકારે આ લોકો સામે કોઈ જ કડક કાર્યવાહી જોવા મળી રહ્યી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં અમારા ધ્યાનમાં આવેલા આ છ કિસ્સાઓમાંથી ત્રણ કિસ્સા તો ગુજરાતમાંથી સામે આવ્યા છે.
ઘટના નંબર : 1
એક X યુઝરે ગત તા. 18-6-2024ના રોજ એક પોસ્ટમાં વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની અંદરથી મરેલો વંદો મળ્યોનો ફોટો શેર કર્યો છે. તેમા જણાવ્યું કે, આ ઘટના તેના કાકા અને કાકી સાથે બની હતી, જે 18 જૂને ભોપાલથી આગ્રા ગયા હતા. ત્યારે IRCTCમાંથી લીધેલા ખોરાકમાં 'વંદો' મળ્યો હતો. તેમણે સત્તાવાળાઓને વિક્રેતા સામે "કડક પગલાં" લેવા વિનંતી પણ કરી હતી. જેમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) એ તેમની પોસ્ટનો જવાબ આપ્યો અને અસુવિધા માટે "માફી માંગી". તેમણે વધુમાં કહ્યું કે સેવા આપનાર પર "યોગ્ય" દંડ ફટકારવામાં આવશે.
Today on 18-06-24 my Uncle and Aunt were travelling from Bhopal to Agra in Vande Bharat.
— Vidit Varshney (@ViditVarshney1) June 18, 2024
They got "COCKROACH" in their food from @IRCTCofficial. Please take strict action against the vendor and make sure this would not happen again @RailMinIndia @ AshwiniVaishnaw @RailwaySe pic.twitter.com/Gicaw99I17
ઘટના નંબર : 2
આંધ્રપ્રદેશના તિરુપતિની એક હોટલમાં કેટલાક યુવાનો જમવા આવ્યા હતા. અહીં તેને ફૂડ પ્લેટમાં એક જીવતી ઈયળ જોવા મળી હતી. પરંતુ નવાઈની વાત તો છે કે, જ્યારે તેણે હોટલ સ્ટાફને આ અંગે સવાલ કર્યો, તો તેઓએ યુવકને માર મારવાનું શરૂ કરી દીધું. એ પછી યુવકે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ જ્યારે પોલીસ આ મામલાની તપાસ કરવા તે હોટલ પર પહોંચી તો રસોડાની હાલત જોઈને તેઓ ચોંકી ઉઠી હતી. ત્યારે ભોજનમાં કાળા રંગના જીવાત ફરી રહી હતી. આ ઉપરાંત જે શાકભાજી હતી તે સડી ગયેલી હતી અને રસોડુ ખૂબ ગંદુ હતું. પોલીસે ભોજનના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, હોટલમાંથી પીરસવામાં આવતું ભોજન બિલકુલ ખાવા લાયક નથી. એ પછી પોલીસે હોટલને સીલ મારી દીધુ હતું.
ઘટના નંબર: 3
તાજેતરમાં જ જામનગર ખાતે બાલાજી વેફરના પેકેટમાંથી એક ગ્રાહકે ખરીદેલા પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. જેને લઇને ફૂડ વિભાગના જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસનો સૂર આલાપી દીધો છે, જ્યારે કંપનીના મેનેજરે પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અમારો વેફર બનાવવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનથી સજ્જ છે જેથી આ પ્રકારનો બનાવ બને તે શક્ય જ નથી. દેડકો પ્લાન્ટમાં આવે તે વાતમાં કોઇપણ તથ્ય લાગી રહ્યું નથી. જોકે વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
ઘટના નંબર: 4
આ ઘટનાને હજુ 24 કલાક પણ પુરા થયા નથી ત્યારે અમદાવાદના નિકોલ ખાતે આવેલી દેવી ઢોસા રેસ્ટોરેન્ટમાં ગ્રાહકના સાંભરમાંથી ઉંદર નિકળ્યો હતો. આ જોઇને ગ્રાહક બે ઘડી માટે ઘડાઇ ગયો હતો. જોકે આ મામલે ગ્રાહકે ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આવી ઘટનાઓ સતત સામે આવી રહી હોવા છતાં ફૂડ વિભાગ ઘોર નિદ્રામાં હોઇ એવું લાગી રહ્યું છે. રેસ્ટોરેન્ટ અને હોટલમાં કેટલી સ્વચ્છતા રાખવામાં આવતી હશે તેના પુરાવા આ ઘટનાઓથી ખબર પડી જાય છે. આ પ્રકારની ઘટનામાં ફૂડ પોઇઝનિંગમાં કોઇ વ્યક્તિનો જીવ જશે ત્યારબાદ તંત્ર જાગશે કે કેમ એ મોટો સવાલ છે?
આમ પણ આપણા ત્યાં તંત્રને રાંડ્યા પછી જ ડહાપણ આવે છે. જોઇએ કે ઉપરોક્ત બે કિસ્સામાં ગુજરાતનો ફૂડ વિભાગ શું પગલાં લે છે.. આ ઘટના બાદ તંત્ર જાગે છે કેમ? જ્યાં ટપરીઓ અને હોટલોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન થતું નથી તેવી હોટલો અને રેસ્ટોરેન્ટ વિરૂદ્ધ પગલાં લેવામાં આવશ કે કેમ એ તો આગામી દિવસોમાં ખબર પડશે.
ઘટના નંબર: 5
આ ઉંદર ત્યારે મળ્યો છે જ્યારે ચોકોલેટ સીરપની સીલબંધ બોટલને ખોલવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટના આ વિડીયોમાં વાઇરલ થયેલી પોસ્ટે યુઝર્સને ચોંકાવી દીધા છે. આ રીલમાં દાવો કરવામાં આવ્યો છે કે હર્શીના ચોકલેટ સીરપની સીલબંધ બોટલની અંદર એક મરેલો ઉંદર મળ્યો છે.
પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રામી નામની યુઝરે લખ્યું હતું કે મેં ઝેપ્ટોમાં આપેલા ઓર્ડરમાં આ ચોંકાવનારી ચીજ મળી. આ જાણકારી બધાના આંખ ખોલી દે તેવી છે. આમ કહીને પછી તે બંધ ઢાંકણું ખોલે છે અને સીરપને એક કપમાં નાખે છે. તેમા લોકો મરેલો ઉંદર જુએ છે. તેના કુટુંબમાંથી કોઈ તેને પાણીથી ધુએ છે જેથી સ્પષ્ટ દેખાય કે અંદર મળેલી ચીજ મરેલો ઉંદર છે. મહિલાએ પોસ્ટમાં લખ્યું હતું કે અમે બ્રાઉની કેકની સાથે ખાવા માટે ઝેપ્ટોમાં હર્શીના ચોકલેટ સીરપનો ઓર્ડર આપ્યો હતો.
અમે કેક પર ચોકલેટ સીરપ નાખવાનો શરુ કર્યો ત્યારે તેમાથી સતત નાના વાળ આવતા અમે તેનું ઢાંકણુ ખોલવાનો નિર્ણય લીધો. તેના ડિસ્પોઝેબલ ગ્લાસમાં નાખતા મરેલો ઉંદર મળ્યો. આ ઉંદર જ છે કે બીજું કંઇ તે જોવા અમે તેને પાણીથી ધોયો તો ખબર પડી કે તે ઉંદર જ છે. કંપનીએ આ પોસ્ટ પર જવાબ આપતા જણાવ્યું હતું કે અમને આ ઘટના બદલ ખેદ છે. અમને બોટલને યુપીસી અને મેન્યુ. કોડ મોકલો જેથી અમારી ટીમ મદદ કરી શકે.
ઘટના નંબર: 6
અન્ય એક ચોંકાવનારો કિસ્સો મુંબઈના મલાડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે આઈસક્રીમ કોનની અંદરથી એક વિકૃત માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેનો ફોટો શેર કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના જણાવ્યા અનુસાર તેણે ઓનલાઇન આઈસક્રીમ ઓર્ડર કર્યો હતો. પ્રાથમિક તબક્કાની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આઈસ્ક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. પોલીસે આઈસ્ક્રીમમાંથી મળેલા માનવ શરીરના અંગને વધુ પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.