ચોમાસામાં ડેન્ગ્યૂ જેવી બીમારી ફેલાય તે માટે ક્લાઇમેટ ચેન્જ પણ જવાબદાર છે, જાણો કેવી રીતે
Image Envato |
Dengue in Mumbai : એક સમય હતો જ્યારે ચોમાસું આવે અને મચ્છરજન્ય રોગ વકરતા. પણ હવે, ક્લાઇમેટ ચેન્જના પાપે મચ્છરોએ કાળોકેર વર્તાવવા માટે ચોમાસાની રાહ જોવી નથી પડતી. આખું વર્ષ જ મચ્છરોને મલેરિયા, ચિકુનગુનિયા અને ડેન્ગ્યૂ જેવા રોગ ફેલાવવાની અનુકૂળતા મળી રહેતી હોય છે. આ વર્ષે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં એકલા વડોદરામાં જ ડેન્ગ્યૂના 92 કેસ નોંધાયા છે. અમદાવાદ અને આણંદ જેવા શહેરોમાં પણ ડેન્ગ્યૂના કેસ નોંધપાત્ર સંખ્યામાં મળી આવ્યા છે. મુંબઈ જેવા મહાનગરમાં તો સ્થિત ઔર ખરાબ છે.
કયા મચ્છરથી થાય છે ડેન્ગ્યૂ?
માણસોને ડેન્ગ્યૂ વાઇરસનો ચેપ ‘એડીસ એજીપ્ટી’ નામના માદા મચ્છરના ડંખથી લાગે છે. પાણીનો ભરાવો થયેલો હોય ત્યાં મચ્છર એના ઈંડા મૂકે છે. દસ દિવસ બાદ ઈંડામાંથી બચ્ચાં બહાર આવી જતા હોય છે. બચ્ચાં પુખ્ત મચ્છર બનીને ડેન્ગયૂ રોગચાળો વધારવામાં પોતાનો ફાળો આપતું હોય છે. મચ્છરની લાઇફ સાયકલ ઈંડા-લાર્વા-પ્યુપા-એડલ્ટ એમ ચાર તબક્કાની હોય છે, જેમાંના પહેલા ત્રણ પાણીમાં હોય છે, એટલે એમને પાણીમાં જ ખતમ કરી નાંખવા હિતાવહ છે.
અગાઉ ફક્ત ચોમાસા દરમિયાન જ ડેન્ગ્યૂ ફેલાવાનો હાઉ રહેતો હતો, પણ હવે ચોમાસા સિવાયની મોસમમાં પણ ડેન્ગ્યૂની બિમારી જોવા મળે છે. જેના એકથી વધુ કારણો છે.
બારેમાસ ડેન્ગ્યૂ ફેલાવાના કારણો
છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે મચ્છરો પણ પોતાની જીવન પ્રકૃતિ બદલી રહ્યા છે. ડેન્ગ્યૂ અને એના જેવા અન્ય વાયરસ ફેલાવતા મચ્છરો હવે આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. પહેલાના સમયમાં વરસાદ સીઝનમાં ચાર મહિના આવતો હતો. ત્યારબાદ આખું વર્ષ વરસાદનું નામો-નિશાન જોવા મળતું ન હતું. છેલ્લા થોડા વર્ષથી શિયાળા અને ઊનાળાની મોસમમાં પણ કમોસમી વરસાદ વરસી જતો હોય છે, જેના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ જતા હોય છે. મચ્છરોને થોડું પણ પાણી મળે તો એમાં ઈંડા મૂકીને પરિવાર વધારવા માંડે. આથી મચ્છરનો ઉપદ્રવ આખું વર્ષ જોવા મળે છે.
મુંબઈને બાનમાં લેતો ડેન્ગ્યૂ
મહાનગર મુંબઈમાં ડેન્ગ્યૂની અસર ઘણી વધારે જોવા મળતી હોવાથી એ શહેરના સંદર્ભમાં જ ડેન્ગ્યૂને સમજીએ. એકલા વર્ષ 2023માં જ મુંબઈમાં ડેન્ગ્યૂના 4400 કેસ નોંધાયા હતા. આખા માહારાષ્ટ્રમાં ક્યાંય આટલી માત્રામાં ડેન્ગ્યૂના કેસ નહોતા. 2024માં મે મહિના સુધીમાં મુંબઈમાં ડેન્ગ્યૂનો આંક 285ની સંખ્યા વટાવી ગયો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, મહાનગરમાં કયા કારણસર ડેન્ગ્યૂનો આટલો બધો ત્રાસ છે?
બે કરોડથી વધારે વસતી ધરાવતા મુંબઈની સૌથી મોટી તકલીફ એની જનસંખ્યા જ છે. વસ્તીગીચતાને લીધે મચ્છરોને શિકાર સુલભ મળી રહેતો હોય છે. ઝૂંપડપટ્ટીઓની ગંદકી, ખુલ્લી જગ્યાઓમાં ભરાઈ રહેતું પાણી જેવા કારણોસર મચ્છરોને વસતીવધારા માટે ફાવતું મળી જતું હોય છે. ચોમાસામાં વરસાદનું પાણી ઘરમાં ન ગળે એ માટે પતરાં કે નળિયાવાળા ઘરની છત પર તાડપત્રી નાંખેલી હોય છે, જેમાં સંગ્રહ થતાં પાણીમાં મચ્છરોને ઈંડા મૂકવાની અનુકૂળતા મળી જતી હોય છે. એ પાણી સૂકાઈ જાય તોય ઈંડા ટકી રહે છે અને ફરી પાણીનો ભરાવો થાય ત્યારે ઈંડામાંથી બહાર નીકળી આવતાં હોય છે.
મલેરિયાની જેમ ડેન્ગ્યૂ પણ માનવસર્જિત રોગચાળો છે. વ્યવસ્થિત પ્લાનિંગ વગરના શહેરીકરણને પાપે પણ મચ્છરજન્ય રોગોમાં ઉછાળો આવતો હોય છે. એકલા મુંબઈમાં જ હાલમાં સાંઇઠ હજાર બાંધકામના પ્રોજેક્ટ ચાલે છે. બિલ્ડિંગ બનતું હોય ત્યારે એના કામ માટે હંમેશાં પાણીને જરૂર રહેતી હોય છે. ટાંકીઓમાં ભરી રખાયેલું પાણી કેવી સ્થિતિમાં છે, એ જોવાની કોઈની દરકાર હોતી નથી, જેને લીધે મચ્છરો ફાવી જતાં હોય છે.
મુંબઈની ભૌગોલિક સ્થિતિ પણ કારણભૂત ખરી. દરિયાની સાવ નજીક વસેલા આ શહેરમાં ભેજવાળી આબોહવા જોવા મળે છે. દિવસે અતિશય ગરમી, રાતે થઈ જતી ઠંડક, અને ગમે તે સીઝનમાં આવી જતા માવઠાને કારણે પણ મુંબઈમાં ડેન્ગ્યૂ જેવા રોગ આખું વર્ષ કાળોકેર વર્તાવતા રહે છે. ઝૂંપડપટ્ટીમાં તો માન્યું કે મચ્છર પાકે, પણ પોશ વિસ્તારોના રહેવાસીઓને પણ ખ્યાલ નથી હોતો કે એમના ફ્લેટની બાલ્કનીઓમાં રાખેલા ફૂલછોડના કુંડા, સોસાયટીના ગાર્ડનમાં ઉગાડેલી વનસ્પતિ જેવા સ્થળોએ પણ મચ્છરોનો વસતીવધારો થતો હોય છે.
ડેન્ગ્યૂને નાથવા માટે મુંબઈમાં કેવા પ્રયાસ થઈ રહ્યા છે?
છેલ્લા વીસ વર્ષોમાં મુંબઈ સહિત સમગ્ર ભારતમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થતો આવ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તાર અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આ કેસનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. 'આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય' દ્વારા દર વર્ષે 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસ ઉજવવામાં આવે છે. એ દિવસે લોકોને ડેન્ગ્યૂ બાબતે જાગૃક કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે, પણ એ પૂરતાં નથી.
આ બાબતે મુંબઈનું પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ ઉલ્લેખનીય અને અનુકરણીય કાર્ય કરી રહ્યું છે. મચ્છરનો ફેલાવો રોકવા માટેનું સૌથી સુલભ હથિયાર છે ડીડીટી, પણ એય હવે એની અસરકારકતા ગુમાવી રહ્યું છે. આટલા વર્ષોથી ડીડીટીનો માર ખાઈખાઈને જાડી ચામડીના થઈ ગયેલા મચ્છરોની નવી પેઢીએ હવે એની સામે પ્રતિકારક્ષમતા કેળવી લીધી છે, જેથી ડીડીટી હવે મચ્છરોનો ફેલાવો અગાઉની જેટલી અસરકારક રીતે નથી કરી શકતું. આ માટે નવી રીતો અજમાવવાનું શરૂ કરાયું છે.
એક અનોખું હથિયારઃ ઈકો બાયો ટ્રેપ
પૂંઠાની બનેલી મધ્યમ કદની બાલદીમાં એક શૅશે (નાનું પાઉચ) મૂકેલું હોય છે. એ શૅશેમાં માદા મચ્છરને ઈંડા મૂકવા માટે ‘આમંત્રણ’ આપે એવું ‘એટ્રેક્ટન્ટ’ ભરેલું હોય છે. બાલદીમાં પાણી ભરતાં જ એ એટ્રેક્ટન્ટ કામ કરવા લાગે છે. માદા મચ્છર આવીને બાલદીમાં ઈંડા તો મૂકે છે, પણ પેલા શૅશેમાં રહેલા ‘સાઇડલ ઇન્ગ્રીડિયન્ટ’ને લીધે ઈંડામાંથી મચ્છર જન્મતા જ નથી. આ મચ્છર-મારું સાધનને નામ અપાયું છે ઈકો બાયો ટ્રેપ. એક ટ્રેપ 400-450 ચોરસ ફીટ કવર કરે છે અને એક મહિના સુધી ચાલે છે.
મુંબઈના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે ધારાવીમાં અને અન્ય ઝૂંપડપટ્ટીઓમાં 38000 ટ્રેપ મૂક્યા છે. એક ટ્રેપમાં લગભગ 1000-2000થી ઈંડા મૂકાતાં હોય છે, એ હિસાબે જોઈએ તો આ પ્રોજેક્ટને કારણે મુંબઈમાં કરોડો મચ્છર જન્મતા અટકશે, જે સરવાળે રોગચાળો ફેલાતો અટકાવશે. બાયોડિગ્રેડેબલ મટિરિયિયલથી બનેલું હોવાથી ઈકો બાયો ટ્રેપ પર્યાવરણને નુકશાન નથી કરતું.
પરંપરાગત હથિયાર પણ અજમાવાઈ રહ્યા છે
મચ્છરજન્ય રોગ વિશે લોકોને માહિતગાર કરવા માટે મુંબઈના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઘરેઘરે જઈને એના વિશે લોકોને સમજાવે છે, લોકોના લોહીના નમૂના લઈને ચકાસણી કરે જેથી જે-તે બિમારીને શરૂઆતમાં જ ડામી શકાય. 2022માં ‘મુંબઈ અગેઇન્સ્ટ ડેન્ગ્યૂ ’ નામની એપ પણ લૉન્ચ કરવામાં આવી હતી, જેના થકી લોકોમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે.
2023માં પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટિંગ સેન્ટરની સંખ્યા ફક્ત 22 હતી જે અત્યાર સુધીમાં 880 કરી દેવાઈ છે, જેને કારણે ડેન્ગ્યૂના વધુ કેસ નોંધાતા હોવા છતાં અસરકારક કામગીરીને કારણે ઓછા દર્દીઓ મૃત્યુ પામે છે.