Calcium: દૂધ સિવાય આ ફૂડના સેવનથી પણ શરીરમાં જાળવી શકાય છે કેલ્શિયમનું પ્રમાણ
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 જાન્યુઆરી 2024 મંગળવાર
દૂધ આપણા શરીરને કેલ્શિયમ પૂરુ પાડે છે. બાળકોના સારા વિકાસ માટે દરરોજ દૂધ પીવડાવવુ જોઈએ પરંતુ અમુક લોકોને દૂધ પીવુ બિલકુલ પણ પસંદ હોતુ નથી. અમુક લોકો એવા પણ હોય છે જેમને દૂધથી એલર્જી હોય છે. દરમિયાન દૂધ વિના શરીરને કેલ્શિયમ કેવી રીતે મળી શકે એ વાતની ચિંતા થવા લાગે છે. જોકે દૂધ સિવાય ઘણા એવા ફૂડ છે જે શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકે છે.
દૂધ સિવાય આ ફૂડમાંથી કેલ્શિયમ મળી શકે છે
દૂધ સિવાય બીન્સમાં ખૂબ કેલ્શિયમ હોય છે. બીન્સ જેમ કે રાજમા, છોલે, લોબિયા વગેરેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનાથી તમારી દરરોજની કેલ્શિયમની જરૂરિયાત પૂરી થઈ શકે છે. 170 ગ્રામ બીન્સમાં કેલ્શિયમ 20 ટકા મળે છે.
જે દૂધ પીતા નથી તેઓ દરરોજ બદામ ખાઈ શકે છે. બદામમાં કેલ્શિયમની સાથે-સાથે હેલ્ધી ફેટ, પ્રોટીન અને મેગ્નેશિયમ પણ હોય છે. દરરોજ રાત્રે બદામ પલાળીને સવારે છાલ ઉતારીને ખાવ, ખૂબ ફાયદો થશે.
લીલા પાંદડાવાળી શાકભાજી પણ કેલ્શિયમ પૂરુ પાડે છે. જો તમે દરરોજ એક વાટકી લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન કરશો તો તમને કેલ્શિયમનું સારુ પ્રમાણ મળી શકે છે. આમાં પાલકનું શાક પણ ખૂબ ફાયદો કરે છે.
સૂકા મેવામાં અંજીરને કેલ્શિયમથી ભરપૂર માનવામાં આવે છે. તમે નિયમિત રીતે સૂકા અંજીરનું સેવન કરીને કેલ્શિયમ મેળવી શકો છો.
જો તમે બ્રોકલીનું સલાડ ખાશો તો તમને દરરોજ કેલ્શિયમ ખૂબ મળશે. એક કપ કાચી બ્રોકોલીમાં 35 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
તમે ચણાનું સેવન કરીને પણ શરીરને કેલ્શિયમ આપી શકો છો. 100 ગ્રામ ચણામાં 150 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. શાકાહારીઓ માટે સોયાબીન દૂધ કેલ્શિયમનો એક શ્રેષ્ઠ સોર્સ છે. સોયાબીનમાં ખૂબ કેલ્શિયમ હોય છે અને આ સાથે-સાથે તેના સેવનથી આયર્ન અને પ્રોટીન પણ મળશે.