MDની માયાજાળ : પશ્ચિમ અમદાવાદમાં યુવાધન ટાર્ગેટ, પૂર્વમાં યુવતીઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી
Drugs Trafficking in Gujarat : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતને ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવ્યું છે. વિતેલા પાંચેક વર્ષમાં વિશાળ સાગરકાંઠો ધરાવતાં ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવી ચૂકેલાં ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના યુવાધન ઉપરાંત માલેતુજાર પરિવારના યુવકો, યુવતીઓને ટાર્ગેટ કરીને એમ.ડી. એટલે કે મેફેડ્રોન ડ્રગ્સની માયાજાળ રચી છે. આંચકારૂપ બાબત એ છે કે, પશ્ચિમ અમદાવાદમાં યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે ચડાવવા ટાર્ગેટ કરાઈ રહ્યું છે અને પૂર્વ વિસ્તારમાંથી સંચાલિત નેટવર્કમાં ડ્રગ્સના વેચાણ, હેરાફેરીમાં હવે યુવતીઓનો ઉપયોગ પણ થવા લાગ્યો છે.
માલેતુજારોને એક-બે વખત મફત નશો કરાવી લત લગાવીને ડ્રગ્સનું નેટવર્ક તૈયાર કરાય છે
ખાસ કરીને અમદાવાદના યુવાઓમાં ડ્રગ્સનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે એસ.ઓ.જી. એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિતેલા 10 વર્ષમાં નહોતી થઈ એવી કામગીરી ત્રણ વર્ષમાં કરી છે. 10 વર્ષમાં નશીલા દ્રવ્યોના કુલ 35 કેસ નોંધાયાં હતાં. પણ, એસ.ઓ.જી.એ ત્રણ જ વર્ષમાં કુલ 109 ગુના નોંધીને ડ્રગ્સ અને નશીલા દ્રવ્યોનો ગોરખધંધો કરતાં કુલ 238 આરોપીઓને પકડી પાડ્યાં છે. કુલ 5.63 કરોડના નશીલા દ્રવ્યો પકડી પાડ્યાં છે તેમાંથી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સના જ 58 કેસમાં 5.16 કરોડનું એમ.ડી. પકડી પડાયું છે. મતલબ કે, પૂર્વ અમદાવાદમાંથી સંચાલિત અને પશ્ચિમ અમદાવાદના યુવાધન અને માલેતુજારોમાં ફેલાવાઈ રહેલાં ડ્રગ્સનો કારોબાર ઉપર છે.
અમદાવાદમાં યુવાપેઢીને આયોજનબદ્ધ રીતે ડ્રગ્સ અને નશાના રવાડે ચઢાવાઈ રહી છે. નશાનો વેપાર કરનારાંઓ આયોજનબદ્ધ રીતે યુવાવસ્થાના ઉંબરે ઉભેલાં કોલેજીયન અને માલેતુજાર યુવક-યુવતીઓને મોજશોખ ખાતર શરૂઆતમાં મફતમાં એક-બે વખત ડ્રગ્સનો નશો કરાવે છે. ડ્રગ્સની લત લાગી જાય પછી આવા યુવાવર્ગ થકી ડ્રગ્સના વેચાણનું નેટવર્ક વિસ્તારમાં આવી રહ્યું છે.
એસ.ઓ.જી. દ્વારા જે ડ્રગ્સ પેડલર્સ કે વેચનારાંઓને પકડી પાડવામાં આવ્યાં છે તેમાંથી મોટાભાગના પૂર્વ વિસ્તારના છે. જ્યારે, નશીલા દ્રવ્યોનો વેપાર ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના સિંઘુ ભવન રોડ, સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા સહિતના પોશ ઉપરાંત શૈક્ષણિક સંકુલો આવેલાં છે તેવા અને માલેતુજાર પરિવારો રહે છે તેવા વિસ્તારો છે.
2022માં 31મી ડિસેમ્બર અનુસંધાને વોચમાં એસજી હાઇવેના સિંઘુ ભવન રોડ ઉપરથી બનાસકાંઠાના ઇરફાન સિેધી તથા નયામતખાન અલીખાન નાગોરીને રૂા.29,67,800ની કિંમતના 296 ગ્રામ 780 મીલી ગ્રામ મેફેડ્રોેન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો આમ પોલીસે સમગ્ર અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી માત્ર મેફેડ્રોનના 58 કેસમાં રૂા.5.16 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું.
ખાખી વર્દીએ ડ્રગ્સ માફિયાની સાન ઠેકાણે લાવવાનું નક્કી કરીને બાતમીદારો દ્વારા ડ્રગ્સ માફિયા અને પેડલરોને પકડવા માટે જાળ પાથરીને તેના મુળ સુધી પહોંચીને ડ્રગ્સના દુષણને નાથવા અને સિન્થેટીક્સના મોટા નેટવર્કને તોડી પાડવાની દિશામાં એસ.ઓ.જી. સંકલિત કાર્યવાહી કરવા સાથે ફ્યૂચર પ્લાન પણ તૈયાર કરી રહી છે.
અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચના ડીસીપી. જયરાજસિંહ વાળાના જણાવ્યા મુજબ ડ્રગ્સ માફિયાના નેટવર્કને તોડવા માટે એસ.ઓ.જીએ ડેડિકેટ ટીમ બનાવી છે. એસ.ઓ.જી. પોલીસની ટૂકડીઓએ અમદાવાદમાં જાળ પાથરી ચાલાકીપૂર્વક ડ્રગ્સનો છૂટક વેપલો કરતાં તત્વોને ઝડપી લેવાની દિશામાં સતત પ્રક્રિયા શરૂ કરી છે.
શ્રીમંતો, યુવાનોમાં ‘પાર્ટી કલ્ચર’ MD ને કોકેનનું સેવન
અમદાવાદમાં શ્રીમંતો તથા યુવાનોમાં પાટી કલ્ચરમાં એમ.ડી ડ્રગ્સ તથા હેરોઇન અને અફીણ તથા ચરસ સહિતના નશાનું સેવન કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને પાન-મસાલા સાથે નાકથી સુંઘી અને ઇન્જેકશનથી જોખની નશો કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
બંધાણી બનાવી વેચાણનું નેટવર્કઃ ડ્રગ્સની પડીકીઓમાં પણ ભેળસેળ
અમદાવાદમાં પેડલરો દ્વારા યુવાધનને નશાના બંધાણી બનાવ્યા બાદ તેમની પાસે વેચાણ કરાવવાનું નેટવર્ક ચલવવામાં આવી રહ્યું છે. યુવાપેઢી મોંધુ ડ્રગ્સ પરવડે તેમ ન હોવાથી ડ્રગ્સની ખરીદી કરીને અમુક ગ્રામનો નશો કરીને તેમાં કેમિકલ ભેળવીને બીજુ ડ્રગ્સ વેચી રહી છે. પોલીસે પકડેલા નશાના બંધાણીની પૂછપરછમાં પકડાયેલા પૈકી મોટા ભાગના આરોપીઓ પોતે પ્રથમ નશો કરતા હતા ત્યારબાદ નશાની સાથે ડ્રગ્સ વેચવાની પ્રવૃત્તિ પણ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.
યુવતીઓનો ઉપયોગઃ નશાના વેપારમાં 28 મહિલા પકડાઈ
નશાના કાળા કારોબારને મજબૂત બનાવવા માટે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો વેચવા માટે મહિલોઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને પોલીસને શંકા જાય નહી અને મહિલાઓ પોલીસે થાપ આપવા માટે આવા માદક દ્વવ્યો પોતાના આંતર વસ્ત્રોમાં છુપાવીને વેચતી હોય છે. પોલીસે અગાઉ રામોલ ટોલટેક્ષ ઉપરથી મુંબઇની કારમાં આવેલી મહિલા સહિતની ગેંગને પકડી હતી. જેમાં પુરુષો પાસેથી કંઇ મળ્યું ન હતું, પોલીસે મહિલા પોલીસની મદદથી તપાસ કરતાં મહિલાના આંતર વસ્ત્રોમાંથી ડ્રગ્સ કપડયું હતું. એસ.ઓ.જીએ દરિયાપુરની મહિલા સહિત કુલ 28 મહિલાને ડ્રગ્સાના જથ્થા સાથે પકડી પાડી હતી.
પોલીસ પરેશાન : પકડાયાં છતાં આરોપી ફરી ડ્રગ્સ વેચે
અમદાવાદમાં નશાના વન-વેથી પોલીસ પણ પરેશાન થઇ રહી છે.જેમાં ખાસ કરીને ડ્રગ્સ સહિતના માદક પાદાર્થો સાથે પકયેલા આરોપી જ્યારે વચગાળામાં જામીન ઉપર છૂટ્યા બાદ ફરીથી નશીલા પાદાર્થ વેચતા પકડાય છે. જેમાં ખાસ કરીને દરિયાપુરમાં રહેતી મહિલા પાસેથી 15.220 ગ્રામ તથા તેના સાગરિત પાસેથી 16.090 ગ્રામ સહિત મેફેડ્રોનનો કુલ 31.310 ગ્રામ રૂા. 3,13,100નો પકડ્યો હતો ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સના કેસમાં મહિલા 10 વર્ષની સજા ભોગવ્યા પછી ફરી એ જ ધંધા કરવા લાગી હતી.