કાગડાપીઠમાં યુવકની હત્યા મુદ્દે પોલીસ સામે ઉગ્ર વિરોધ, PI સસ્પેન્ડ, એક આરોપી ઝડપાયો
Murder Incident In Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શનિવારે (16મી નવેમ્બર) મોડી સાંજે નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારીની ધડાધડ ફાયરિંગ કરીને હત્યા કરાઈ હતી. ત્યારે હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનાને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે જીગનેશ શર્મા નામના એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે એક કિશોરની અટકાયત કરાઈ હોવાની માહિતી મળી છે.
કાગડાપીઠ પોલીસે 2 આરોપીને રાઉન્ડઅપ કર્યા
મળતી માહિતી અનુસાર, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે જિગનેશ શર્મા સહિત આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. જેમાંથી એક આરોપી કિશોર છે. મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે નોંધાયેલા છે અનેક ગુના
પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર આરોપી જિગનેશ શર્મા અને તેના સાથીદારો શંકાસ્પદ બુટલેગરો છે અને તેમની સામે પ્રોહિબિશનના અનેક કેસ નોંધાયેલા છે. અલ્પેશ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બુટલેગિંગ સાથે સંબંધિત ન હોવા છતાં, અધિકારીઓને શંકા છે કે આ ઘટના આ વિસ્તારમાં ગેરકાયદે દારૂના વેપારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ. સસ્પેન્ડ
ઘટનાના વિરોધમાં આજે સોમવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોના ટોળાએ સુત્રોચ્ચાર સાથે પોલીસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોનો વિરોધ ઉગ્ર બનતા અને કાગડાપીઠમાં દારૂનો વેપલો ચાલતો હોવાની માહિતી મળતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે. હત્યાની ઘટના અને ત્યાર બાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ પીઆઈ સામે પગલા લેવાયા છે.
નહેરુનગરના માણેકબાગમાં વેપારીની હત્યા
અમદાવાદમાં શનિવારે (16મી નવેમ્બર) મોડી સાંજે નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
બોપલમાં વિદ્યાર્થીની હત્યા
શહેરના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરાઈ હતી. આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 13મી નવેમ્બરે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ કરતાં ભાજપ નેતાને લોકોએ રંગે હાથ પકડ્યો, પોલીસે ફરિયાદ ન લેતા રોષ
બીજી તરફ બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યા એનઆરઆઈ દીપક પટેલની બોથડ પદાર્થના ઘા કરી હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.