ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીની સાથે યુવકે બીભત્સ હરકતો કરતાં ભારે હોબાળો
Gujarat University: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના સમયે કેટલીક વિદ્યાર્થીનીઓ IAS ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારના એક યુવકે વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ હરકતો કરી હતી અને જેમાંથી એક વિદ્યાર્થીનીને નજીક બોલાવીને છેડતી કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે NSUIના વિદ્યાર્થી નેતાઓ કુલપતિ ઑફિસમાં પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
પગલાં લેવા અને સુરક્ષા વધારવા વીસી ઑફિસમાં હંગામો
યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટીને લઈને ફરી એકવાર મોટી ઘટના સામે આવી છે. એક બાજુ વર્ષોથી યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સી બદલાતી નથી અને સિક્યુરિટી વધારવામાં નથી આવતી ત્યારે સુરક્ષાને લઈને થતી ફરિયાદો વચ્ચે આજે એક વિદ્યાર્થીની સાથે એક બહારના યુવકે બીભત્સ હરકતો કરી હતી.
વિદ્યાર્થીની સાથે યુવકે બીભત્સ હરકતો કરી
સાંજના સમયે કેટલીક વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કેમ્પસના IAS ટ્રેનિંગ સેન્ટરથી કોચિંગ કલાસ ભરીને લાઇબ્રેરી તરફથી પસાર થઈ રહી હતી. ત્યારે આ સમયે એક 40 વર્ષીય યુવકે વિદ્યાર્થીનીઓને ઇશારો કર્યો હતો અને એક વિદ્યાર્થીનીને નજીક બોલાવીને પ્રાયવેટ પાર્ટ બતાવવા સહિતની ગંભીર બીભત્સ હરકત કરી હતી. જેને પગલે વિદ્યાર્થીનીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા હતા અને ત્યારબાદ સંલગ્ન વિભાગના પ્રોફેસર પણ ઘટના સ્થળે આવી ગયા હતા.
યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પ્રશ્ન ઊભો થયો
આ ઘટનાની જાણ થતાં NSUIના કાર્યકરો કુલપતિ ઑફિસમાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીનીને જાણી જોઈને યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા ત્યાંથી દૂર કરીને કોઈ પોલીસ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો.
NSUIના કાર્યકરોએ કુલપતિની ઑફિસરમાં ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદની માંગ કરી હતી. જેને પગલે સિક્યુરિટીના માણસોને મોકલીને પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરાઈ હતી જો કે પોલીસ તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે વિદ્યાર્થીનીને પણ બોલાવી હતી અને તમામ વિગતો જાણી હતી. મહત્ત્વનું છે કે આ ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે.