ગલ્લે પાન ખાતા લોકો અને તમારા કોન્સ્ટેબલના કામમાં કોઇ ફેર નહીં, ગુજરાત હાઇકોર્ટ પોલીસ અને સરકારનો ઉઘડો લીધો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ગલ્લે પાન ખાતા લોકો અને તમારા કોન્સ્ટેબલના કામમાં કોઇ ફેર નહીં, ગુજરાત હાઇકોર્ટ પોલીસ અને સરકારનો ઉઘડો લીધો 1 - image


Gujarat High Court :  રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહતિના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે મંગળવારે રાજય સરકાર, પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો ફરી એકવાર ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકાર, પોલીસ તંત્ર અને અમ્યુકોને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, તમે માત્ર દળદાર એફિડેવીટ ફાઇલ કરો છો અને મોટા મોટા દાવાઓ કરો છો પરંતુ હકીકતમાં જમીન સ્તર પર ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે કોઇ જ સુધારો દેખાતો નથી. 

સરકાર, પોલીસ, AMCનો ઉધડો લેતાં હાઇકોર્ટે કહ્યું ‘તમારી ઇચ્છા શક્તિનો દેખીતો અભાવ વર્તાય છે’’

જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકાર, ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને ગંભીર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ સહિતની આ સમસ્યાઓ માત્ર અમદાવાદ ત્રણ વિસ્તાર પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર રાજયની સમસ્યાઓ છે. તમે પાનાઓ ભરી ભરીને રજૂઆતો કરો છો અને કામગીરી કર્યાના દાવાઓ કર્યે રાકો છે પરંતુ કંઇ કામ થયેલુ તો દેખાતુ નથી. માત્ર કામ કરવા કર્યું છે તેવું નહી પરંતુ સાચા અર્થમાં કામગીરી થઇ છે તે દેખાવું જોઇએ. તમામ લોકો ખુલ્લી આંખે ફરે છે અને તેઓને બધુ દેખાય છે. જો કામ કર્યુ હશે તો ઉડીને આંખે વળગશે. ખાલી વાયદાઓ કરીને નહી પરંતુ કામ થવું જોઇએ. જો કે, તેના માટે તમારી ઇચ્છા શક્તિનો દેખીતો અભાવ જણાય છે. 

હાઇકોર્ટે સરકારપક્ષને પણ ગંભીર ટકોર કરી હતી કે, શુ આ બાબત હાઇકોર્ટના આદેશોનું પાલન કરાવવામાં તમારી બિનકાર્યક્ષમતાનો પુરાવો નથી ? અમે પણ આ દેશના નાગરીકો છીએ અને અમદાવાદમાં રહીએ છે પરંતુ અમને તો કોઇ ફરક દેખાતો નથી. તમે પાનાઓ ભરીને રજૂઆતો કરો છો. અમે અમારા ઘરેથી કોર્ટ તરફ જઇએ છીએ ત્યારે સ્થિતી ઠેરની ઠેર જણાય છે. અમે તમને ચાર મહિનાનો સમય આપ્યો, પછી તમને ચેતવણી આપી. પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઇ જ પ્રકારનો સુધારો કે ફેરફાર કેમ દેખાતો નથી ? 

સરકારપક્ષ અને અમ્યુકો તરફથી જણાવાયું કે, અમે લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ અને ગેરકાયદે પાર્કિંગ બદલ વાહન માલિકને ચેતવણી આપવા સ્ટીકરો પણ લગાવી રહ્યા છીએ, જેથી હાઇકોર્ટે તેનાથી બિલકુલ પ્રભાવિત થયા વિના રોકડુ પરખાવ્યું કે, આ તો જૂની પુરાણી વાતો છે, રિઝલ્ટ શું...?? તમે કાર્યવાહી કરો છો તો પરિણામ શું આવ્યું...? કંઇ દેખાતું તો છે નહી.

પોલીસ તેમની નિષ્ફળતાના દોષનો ટોપલો લોકો પર ના ઢોળી શકે

એડવોકેટ અમિત પંચાલે હાઇકોર્ટનુ ઘ્યાન દોર્યું હતું કે, અમદાવાદના ટ્રાફિક વિભાગના જોઇન્ટ કમિશનર સોગંદનામું રજૂ કરી એમ કહે છે કે, ટ્રાફિકના નિયમોના પાલનમાં લોકોના પણ સહકારની અપેક્ષા છે. પરંતુ નિયમોનું પાલન કરાવવું એ તો તેમની ફરજ છે. પોલીસ તેમની નિષ્ફળતાનો દોષનો ટોપલો લોકો પર ઢોળી શકે નહી. ટ્રાફિક પોલીસ કે ઓથોરીટી વાતો મોટી મોટી વાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે, પરિસ્થિતમાં કોઇ ફરક દેખાતો નથી. બઘુ જ જૈસે થે છે. 

તો પછી મોટા સાહેબને પણ હાઇકોર્ટમાં બોલાવીશું

કેસની સુનાવણી દરમ્યાન એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઇ જાય છે પરંતુ નાગરિકોની સમસ્યાઓનો કોઇ ઉકેલ આવતો નથી., જેથી જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે ગર્ભિત ભાષામાં જણાવ્યું કે, તો પછી મોટા સાહેબને પણ હાઇકોર્ટમાં બોલાવીશું, બધા રસ્તાઓ ખુલી જશે. 

હાઇકોર્ટે એએજીની હાજરી વિશે ત્રણ વાર પૃચ્છા કરી તો પણ ના આવ્યા

કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ સમીર જે.દવેએ એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહને લઇ ત્રણથી ચાર વાર પૃચ્છા કરી કે, એએજી કયાં છે...?? તેઓ આ કેસમાં સરકાર તરફથી અપીઅર થાય છે તો કયાં છે..? બોલાવો એમને...સરકારપક્ષ તરફથી બચાવ કરાયો કે, તેઓ અન્ય કોર્ટની સુનાવણીમાં છે પરંતુ હાઇકોર્ટની આટલી પૃચ્છાઓ બાદ પણ એએજી આ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા, જેની ખંડપીઠે બહુ ગંભીર નોંધ લીધી હતી. 

ગલ્લે પાન ખાતા લોકો અને તમારા કોન્સ્ટેબલના કામમાં કોઇ ફેર નહીં

હાઇકોર્ટે ટ્રાફિક પોલીસ અને પોલીસ ઓથોરીટીને પણ બહુ ગંભીર કટાક્ષ સાથેની ટકોરમાં જણાવ્યું કે, તમારા પોલીસ કોન્સ્ટેબલો અને ટ્રાફિક કોન્સ્ટેબલો હજુ પણ ઉદાસીન છે. ચાર રસ્તાઓ ઉપર જુઓ. લગભગ છ સપ્તાહના સમય પછી પણ કેમ કોઇ ફેરફાર જોવા નથી મળતો ? ગલ્લે પાન ખાતા લોકો અને તમારા કોન્સ્ટેબલના કામમાં કોઇ ફેર જણાતો નથી. 


Google NewsGoogle News